બે વર્ષથી નાના બાળકોને કફ સિરપ ન આપવા સરકારની માર્ગદર્શિકા
11 બાળકોના મોત પછી સરકાર જાગી: બે સિરપનું વેચાણ રોકી દેવાયું
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે કફ સિરપના પીવાથી બાળકોના મૃત્યુની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) એ સ્પષ્ટ કહ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ અને શરદીની દવા સિરપ આપવી જોઈએ નહીં.
નોંધનીય છે કે સરકારે કહ્યું છે કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ આ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવતી નથી. કોઈ પણ દવાના ઉપયોગ માટે સાવચેતીપૂર્વક તબીબી મૂલ્યાંકન કડક દેખરેખ અને યોગ્ય ડોઝનું કડકપણે પાલન થવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે પ્રતિબંધિત કફ સિરપ પીવાથી કુલ 11 બાળકોના મોત થયા છે. એકલા છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક વધીને નવ થયો હોવાનું માનવામાં આવે છે. એસોસિયેટ પ્રોફેસર ડો. પવન નંદુરકરના જણાવ્યા મુજબ, મૃત્યુ અને કિડનીની ઈજાનો કેસ કોલ્ડ્રિફ કફ સિરપ સાથે જોડાયેલો છે.
જોકે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શુક્રવારે આપવામાં આવેલા સ્પષ્ટતા મુજબ, મૃત્યુ બાદ એકત્ર કરાયેલા કફ સિરપના નમૂનાઓમાં કિડનીને નુકસાન પહોંચાડતા જાણીતા રસાયણો ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) કે ઇથિલિન ગ્લાયકોલ (EG) નો કોઈ અંશ મળ્યો નથી. ભલે સેમ્પલમાં ઝેરી તત્ત્વ ન મળ્યું હોય, તેમ છતાં ColdRifઅને ગ Nextro-DS કફ સિરપનું વેચાણ અને વિતરણ તેની અંતિમ તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી રોકી દેવામાં આવ્યું છે.આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કફ સિરપ સિવાય મૃત્યુના અન્ય સંભવિત કારણોની પણ તપાસ ચાલી રહી છે.