1962ના યુધ્ધમાં વાયુસેનાને સરકારે પરવાનગી નહોતી આપી: CDS
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણના દાવા મુજબ યુધ્ધમાં વાયુસેનાનો ઉપયોગ કરાયો હોત તો ચીની આક્રમણને ધીમું પાડી શકાયું હોત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન વાયુસેનાના ઉપયોગથી ચીની આક્રમણને નોંધપાત્ર રીતે ધીમું પડત. તેમણે કહ્યું કે જ્યારે આ પગલાને તે સમયે ટેન્શન એસ્કેલેટર ગણી શકાય હતું. પરંતુ હવે તે રહ્યું નથી.
63 વર્ષ પહેલાં ચીન સાથેના યુદ્ધનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે ફોરવર્ડ પોલિસી લદ્દાખ અને NEFA (નોર્થઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી) અથવા હાલના અરુણાચલ પ્રદેશ પર એકસરખી રીતે લાગુ થવી જોઈતી ન હતી. તેમણે કહ્યું કે આ એટલા માટે હતું કારણ કે બંને પ્રદેશોમાં સંઘર્ષનો અલગ ઇતિહાસ અને ખૂબ જ અલગ ભૂપ્રદેશ છે. સમાન નીતિઓનું પાલન ખામીયુક્ત હતું. સીડીએસે કહ્યું કે વર્ષોથી સુરક્ષા પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને યુદ્ધનું સ્વરૂૂપ પણ બદલાયું છે.
જનરલ ચૌહાણે પુણેમાં સ્વર્ગસ્થ લેફ્ટનન્ટ જનરલ એસ.પી.પી. થોરાટની સુધારેલી આત્મકથા રેવિલ ટુ રીટ્રીટના વિમોચન દરમિયાન પ્રસારિત રેકોર્ડેડ વિડીયો સંદેશમાં આ ટિપ્પણી કરી હતી. લેફ્ટનન્ટ જનરલ થોરાટ ભારત-ચીન યુદ્ધ પહેલા પૂર્વીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતા. સીડીએસે કહ્યું કે લેફ્ટનન્ટ જનરલ થોરાટે ભારતીય વાયુસેનાનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું, પરંતુ તત્કાલીન સરકારે આવા પગલાને મંજૂરી આપી ન હતી.
તો ભારતને મોટો ફાયદો થયો હોત
વાયુસેનાના ઉપયોગ અંગે, સીડીએસે કહ્યું કે 1962ના યુદ્ધ દરમિયાન તે એક નોંધપાત્ર ફાયદો હોત. સીડીએસે કહ્યું કે હવાઈ શક્તિનો ઉપયોગ ચીની આક્રમણની ગતિને નોંધપાત્ર રીતે ધીમી કરી શક્યો હોત. તેમણે કહ્યું, આનાથી સેનાને તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્યો હોત. તે દિવસોમાં, મને લાગે છે કે વાયુસેનાનો ઉપયોગ એસ્કેલેટર માનવામાં આવતો હતો. મને લાગે છે કે હવે તે સાચું નથી, અને ઓપરેશન સિંદૂર આનું એક સંપૂર્ણ ઉદાહરણ છે.