સરકારી બેંકોનો ત્રિમાસિક રેકોર્ડબ્રેક 49,546 કરોડનો નફો
12 બેંકોના કુલ નફામાં SBIનો 40 ટકા હિસ્સો, ઈન્ડિયન ઓવરસીઝ બેંકના નફામાં 58 ટકાનો વધારો
એસબીઆઇની આગેવાની હેઠળ સરકારી બેન્કોએ ચાલુ નાણાંકીય વર્ષ 2025-26ના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ 49,546 કરોડ રૂૂપિયાની નફા કમાણી કરી છે. તે વાર્ષિક આધારે 9 ટકા વધુ છે. જોકે આ દરમિયાન બે બેન્કોના નફામાં ઘટાડો પણ થયો છે. 12 બેન્કોને સપ્ટેમ્બર, 2024ના સમાન ત્રિમાસિક ગાળામાં 45,547 કરોડનો લાભ થયો હતો.
નાણાકીય પરિણામો દર્શાવે છે કે 12 બેંકોના કુલ નફામાં એકલા SBIનો હિસ્સો 40% હતો, જે રૂૂ. 20,160 કરોડ હતો. વાર્ષિક ધોરણે તેનો નફો 10% વધ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ, ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો નફો સૌથી વધુ વધીને રૂૂ. 1,226 કરોડ થયો છે, જે 58%નો વધારો દર્શાવે છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 33%ના વધારા સાથે બીજા ક્રમે રહી હતા, જેણે રૂૂ. 1,213 કરોડનો નફો મેળવ્યો હતો. બેંકોનો વ્યવસાય પણ ઝડપથી વધ્યો છે. જ્યારે SBIનો વ્યવસાય રૂૂ. 100 લાખ કરોડ સુધી પહોંચ્યો, ત્યારે પંજાબ નેશનલ બેંકનો રૂૂ. 27.86 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. કેનેરા બેંક રૂૂ. 26.78 લાખ કરોડ સાથે ત્રીજા સ્થાને છે. યુનિયન બેંકનો વ્યવસાય ₹22 લાખ કરોડને વટાવી ગયો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મુખ્ય બેંકોના નફાનો વિકાસ દર ધીમો પડ્યો હતો. ઉદાહરણ તરીકે, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક અને ઇન્ડિયન બેંકે નફામાં અનુક્રમે 19%, 14% અને 12%ની વૃદ્ધિ નોંધાવી હતી. બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકના નફામાં 23% નો વધારો જોવા મળ્યો. જોકે, બેંક ઓફ ઈન્ડિયાના નફામાં 8% નો વધારો થયો છે, અને યુકો બેંકનો માત્ર 3% વધ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં તમામ 12 જાહેર ક્ષેત્રની બેંકોએ રૂૂ. 44,218 કરોડનો નફો કર્યો છે, જે વાર્ષિક ધોરણે 11%નો વધારો દર્શાવે છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં, આ બેંકોએ રૂૂ. 39,974 કરોડનો નફો કર્યો હતો. સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા પ્રથમ છ મહિનામાં, આ બેંકોનો સંયુક્ત નફો પહેલી વાર રૂૂ. 90,000 કરોડને વટાવી ગયો છે. નાણાકીય પરિણામો અનુસાર, આ બેંકોએ એપ્રિલ-સપ્ટેમ્બર 2025માં રૂૂ. 93,674 કરોડની કમાણી કરી હતી. જે એપ્રિલ-સપ્ટેમ્બર 2024માં રૂૂ. 85,520 કરોડ હતી. આ વાર્ષિક ધોરણે લગભગ 10%નો વધારો દર્શાવે છે.
બે બેંકોના નફામાં ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સિવાયની તમામ 12 જાહેર ક્ષેત્રની બેંકોએ નફામાં વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન બેંક ઓફ બરોડાનો ચોખ્ખો નફો 8% ઘટીને રૂૂ. 4,809 કરોડ થયો છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો ચોખ્ખો નફો 10% ઘટીને રૂૂ. 4,249 કરોડ થયો છે.
