ગૂગલ મેપ્સે બંધ રસ્તો બતાવ્યો: કાર નદીમાં પડતાં ત્રણનાં મૃત્યુ
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક વાન નદીમાં વહી જતાં ત્રણ લોકોના મોત થયા હતા અને એક બાળક ગુમ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે વાનના ડ્રાઇવરે ગુગલ મેપની મદદથી આ રસ્તો પસંદ કર્યો હતો. તે વાનને થોડા મહિનાઓથી બંધ રહેલા કલ્વર્ટ તરફ લઈ ગયો. જ્યારે વાન તેને પાર કરવાનો પ્રયાસ કરતી હતી, ત્યારે તે જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર વાન એક જ પરિવારના સભ્યોને લઈ જઈ રહી હતી. બનાસ નદીના જોરદાર પ્રવાહમાં વાન ઘણા અંતર સુધી તણાઈ ગઈ હતી, જેના કારણે ચાર લોકો ડૂબી ગયા હતા જ્યારે પાંચ લોકોએ વાનની છત પર બેસીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માત મંગળવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર વાનમાં સવાર પરિવાર ભીલવાડા જિલ્લામાં એક ધાર્મિક સ્થળની મુલાકાત લઈને ઘરે પરત ફરી રહ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે વાન ચાલકે રસ્તો શોધવા માટે ગુગલ મેપ્સનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેઓ બનાસ નદી પરના પુલ પર ગયા હતા જે લાંબા સમયથી બંધ હતો. ચિત્તોડગઢના પોલીસ અધિક્ષક મનીષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે બનાસ નદીમાં પૂરને કારણે નદીને પાર કરતા બધા રસ્તા બંધ થઈ ગયા હતા.
પરંતુ આ પરિવાર આવા જ એક બંધ પુલને પાર કરીને સોમી-ઉપ્રેડા પુલ પર ગયો, જે થોડા મહિનાઓથી બંધ હતો.