મૂસેવાલાની હત્યાનું રહસ્ય ખોલતો ગોલ્ડી બ્રાર
પંજાબી ગાયકે ઘમંડમાં ઘણી ભૂલો કરી, હરીફોને પ્રોત્સાહન આપ્યું તેથી તેને મારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો: ગેંગસ્ટરનો દાવો
મે 2022 માં પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને તેની ગેંગ પર આ હત્યા કરવાનો આરોપ હતો. મૂસેવાલા પંજાબના માનસા જિલ્લામાં સ્થિત તેમના વતન ગામ નજીક પોતાની કારમાં જઈ રહ્યો હતો અને તેમની કાર પર 100 થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
એક ઇન્ટરવ્યુમાં, હત્યાના મુખ્ય આરોપી સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે જણાવ્યું કે તેણે અને તેના સાથીઓએ આ હત્યા કેવી રીતે કરી અને મૂસેવાલાની હત્યા કેમ કરવામાં આવી. બ્રારે કહ્યું, તેના ઘમંડમાં, તેણે (મૂસેવાલાએ) એવી ભૂલો કરી હતી જેને માફ કરી શકાય નહીં. અમારી પાસે તેને મારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તેને તેના કામોના પરિણામો ભોગવવા પડ્યા. કાં તો તે જીવેત કાતો અમે. બસ એટલું જ. તેમણે કહ્યું, લોરેન્સ બિશ્નોઈ અને સિદ્ધુ મૂસેવાલા એકબીજાના સંપર્કમાં હતા. મને ખબર નથી કે આ બંનેનો પરિચય કોણે કરાવ્યો હતો
અને મેં ક્યારેય પૂછ્યું નહીં પણ આ બંને વાતો કરતા હતા. લોરેન્સની ખુશામત કરવા માટે, સિદ્ધુ તેને ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ મેસેજ મોકલતો હતો. ગોલ્ડી બ્રારે દાવો કર્યો છે કે મૂસેવાલા સાથે તણાવ પંજાબમાં કબડ્ડી ટુર્નામેન્ટને લઈને શરૂૂ થયો હતો.
ગોલ્ડીએ કહ્યું, તે એક ગામ છે જ્યાંથી અમારા હરીફો આવે છે. તે અમારા હરીફોને પ્રોત્સાહન આપી રહ્યો હતો. ત્યારે લોરેન્સ અને કેટલાક અન્ય લોકો તેના પર ગુસ્સે થયા. તેમણે સિદ્ધુ મૂસેવાલાને ધમકી આપી અને કહ્યું કે તેઓ તેને છોડશે નહીં. અહેવાલ મુજબ, બિશ્નોઈના સહયોગી અને મધ્યસ્થી વિક્કી મિદુખેડાના હસ્તક્ષેપથી તણાવ ઓછો થયો હતો, પરંતુ ઓગસ્ટ 2021માં મોહાલીમાં મિદુખેડાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
બ્રારે કહ્યું, સૌને સિદ્ધુની ભૂમિકા ખબર હતી, તપાસ કરતી પોલીસ પણ જાણતી હતી, પત્રકારો પણ જાણતા હતા. સિદ્ધુ રાજકારણીઓ અને સત્તામાં રહેલા લોકો સાથે સારા સંબંધ હતા. તે રાજકીય શક્તિ, પૈસા અને પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને અમારા હરીફોને મદદ કરી રહ્યો હતો. અમે ઇચ્છતા હતા કે તેને તેના કૃત્ય માટે સજા મળે. તેની સામે કેસ નોંધવો જોઈતો હતો. તેને જેલમાં જવું જોઈતું હતું પણ કોઈએ અમારી વાત સાંભળી નહીં. તેથી અમે તે જાતે જ લીધું. જ્યારે કોઈ બાબત નમ્રતાથી સાંભળવામાં આવતી નથી, ત્યારે ગોળીનો અવાજ સંભળાય છે. બ્રારે કહ્યું, કાયદો. ન્યાય. એવું કંઈ નથી. ફક્ત શક્તિશાળી લોકો જ ન્યાય મેળવી શકે છે, અમારા જેવા સામાન્ય લોકોને નહીં. મેં મારા ભાઈ માટે જે કરવાનું હતું તે કર્યું. મને કોઈ પણ પ્રકારનો અફસોસ નથી.
ગોલ્ડી બ્રાર કોણ છે?
પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી ગોલ્ડી બ્રાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે. કેનેડાથી સક્રિય બ્રારને કડક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે અને તેની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ પણ પેન્ડિંગ છે.
ગૃહ મંત્રાલયે એક સૂચનામાં કહ્યું હતું કે બ્રાર ભારત-પાકિસ્તાન સરહદ પાર ડ્રોન દ્વારા ઉચ્ચ-સ્તરીય શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરીમાં સામેલ નેટવર્કનો ભાગ છે. મંત્રાલયે પ્રતિબંધિત જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે બ્રારના કનેક્શનનો ઉલ્લેખ કર્યો હતો અને તેના પર ટાર્ગેટટેડ હત્યાઓ, આતંકવાદી મોડ્યુલની ભરતી અને અન્ય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા પંજાબમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો.