ગોલ્ડન યર: 2025માં સોનાએ 50 વખત નવા શિખર સર કર્યા
3000 ડોલરથી 4000 ડોલરની સપાટી ચાલુ વર્ષમાં માત્ર 207 દિવસમાં જોવા મળી; જયારે 3500 ડોલરની સપાટીથી 4000 ડોલરની સપાટી માત્ર 36 દિવસમાં જોવા મળી
1978 થી 1980માં આ પ્રકારની રેલી જોવા મળી હતી જયારે સોનું 45 ટકા વધ્યું હતું, એ સમયે 10 ગ્રામનો ભાવ 937 રૂા.થી વધીને રૂા.1330 સુધી પહોંચ્યો હતો
2925નું વર્ષ સોના માટે સુવર્ણ વર્ષ સાબીત થયું છે. માત્ર આ વર્ષ દરમિયાન જ સોનાએ 50 વખત ભાવ ઓલટાઇમ હાઇ થતા જોયા છે. ભુતકાળમાં 1979ના વર્ષ બાદ સોનામાં આ પ્રકારની કલ્પના બહારની રેલી જોવા મળી છે જેને કારણે સોનુ ખરીદવું મોંઘુ બન્યું પરંતુ રોકાણકારો માલામાલ બની ગયા છે. સોનાની સાથે સાથે ચાંદીના ભાવ પણ આસમાને જોવા મળ્યા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના એક રિપોર્ટમાં જણાવાયું છે કે 3500 ડોલર પ્રતિ ઔંસના ભાવથી સોનુ માત્ર 36 દિવસમાં 4000 ડોલરની સપાટી ક્રોસ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર એક મહીનામાં આટલી મોટી ભાવની એકતરફી તેજી આ પહેલા કયારેય જોવા મળી ન હતી.
છેલ્લા પાંચ વર્ષમાં થયેલા બે દેશો વચ્ચેના યુધ્ધો, આર્થિક નબળી કોમેેન્ટરી, સેન્ટ્રલ બેંકની સોનાની બેફામ ખરીદી તેમજ ગોલ્ડ ઇટીએફમાં થઇ રહેલા જંગી રોકાણોની વચ્ચે સોનાની ડીમાન્ડમાં અભુતપુર્વ તેજી જોવા મળતા ભાવ બેકાબુ અને આસમાને પહોંચ્યો છે.
ચાલુ વર્ષની વાત કરીએ તો માત્ર 207 દિવસમાં સોનુ આંંતરરાષ્ટ્રીય લેવલ પર 3000 ડોલરથી 4000 ડોલરે પહોંચ્યું છે. જયારે ભુતકાળની વાત કરીએ તો સોનાનો ભાવ 1000 ડોલર હતો ત્યાંથી 2000 ડોલર સુધી પહોંચતા 15 વર્ષ લાગ્યા હતા. જો કે 2000થી 3000 ડોલર સુધી પહોંચતા માત્ર 14 મહીના જ લાગ્યા હતા અને ત્યારબાદ માત્ર 207 દિવસમાં સોનુ વધુ 1000 ડોલર વધ્યું છે.
ઇતિહાસમાં ડોકીયુ કરીએ તો આ પ્રકારની ભારે રેલી 1978 થી 1980 દરમિયાન પણ જોવા મળી હતી. જયારે 1930ની સાલમાં પણ ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો.
1978માં 285 ડોલરથી સોનુ દોઢ વર્ષમાં 875 ડોલર સુધી ભાગ્યુ હતું. એ સમયે ડબલ ડીઝીટમાં મોંઘવારી પહોંચી હતી અને જીયો પોલીટેકલ ક્રાઇસીસ ઉપરાંત અફઘાનિસ્તાન ઉપર સોવીયત સંઘનું આક્રમણ અને ઇરાનના ઓઇલનો મુખ્ય પ્રશ્ન હતો.
એ સમયે ભારતના પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂા.937થી વધીને રૂા.1330 પહોંચ્યો હતો. એટલે કે 1980ની સાલમાં સોનું 45 ટકા વધ્યું હતું. પરંતુ 1982માં અમેરીકામાં ટ્રેડ રેટ કટ થતા સોનાના ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો અને ઉચ્ચતમ સપાટીથી 50 ટકા ભાવ તુટી ગયો હતો.
હવે આ રેલી 2025ના વર્ષમાં ફરી જોવા મળી છે અને સોનામાં 2025નું વર્ષ હજુ પુરૂ થયું નથી ત્યાં સુધીમાં જ 50 વખત સોનુ ઓલ ટાઇમ હાઇની સપાટીએ પહોંચ્યું છે એટલે કે સોનોઅ પોતાનો જુનો ભાવ તોડીને નવો ભાવ કાયમ કર્યો છે.
તેમા પણ સપ્ટેમ્બર-ઓકટોબર મહીનામાં જ 25 ટકાનું જોરદાર રીટર્ન આપી દીધું છે. રાજકોટ અને ભારતની બજારમાં પણ સોનુ 1,28,000 ની સપાટી ક્રોસ કરી ચુકયું છે અને ચાંદી પણ હવે 1,65,000 ઉપર પહોંચી છે. સોનાની ખરીદી જરૂર મોંઘી બની છે પરંતુ રોકાણકારો અને સોનુ સૌથી સલામત રોકાણ છે તેવું માનનારા એક મોટા વર્ગને જે લાભ થયો છે તે પણ સુવર્ણ અક્ષરે લખાશે.
2025માં ચાંદીનો પણ ચળકાટ જોવા મળ્યો
માત્ર સોનામાં જ નહીં પરંતુ ચાંદીમાં પણ ભાવનું તોફાન સર્જાયું હતું. 2025માં જ ચાંદીમાં પ્રતિ કિલઓે 65 હજારનો વધારો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ જે રીતે આસમાને પહોંચી રહ્યો છે તે જોતા ભાવ કયાં અટકશે તે નકકી થતું નથી. સોનાની સાથે સાથે ચાંદીમાં જે તેજી જોવા મળી છે તે જોતા રોકાણકારો માટે માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદી પણ શ્રેષ્ઠ રોકાણ બની રહ્યું છે.
ગોલ્ડ ઇટીએફનું આકર્ષણ વધ્યું, એક માસમાં જ રોકાણમાં 285 ટકાનો વધારો
એશિયામાં સૌથી વધુ અને વૈશ્વિક સ્તરે ભારતને ટોપ-4 દેશોમાં સ્થાન આપનાર ગોલ્ડ ઈટીએફ સપ્ટેમ્બર 2025માં એક્સચેન્જ - ટ્રેડેડ ફંડ્સમાં અંદાજીત 90.2 કરોડ ડોલર એટલે કે આશરે 8000 કરોડનું ઐતિહાસિક નેટ ઇનફ્લો નોંધાયું છે. આ રોકાણ અગાઉના મહિના એટલે કે ઓગસ્ટના 23.2 કરોડ ડોલરની તુલનામાં 285%નો જબરદસ્ત ઉછાળો દર્શાવે છે. વૈશ્વિક અને એશિયાઈ સ્તરે ભારતનું વર્ચસ્વ સપ્ટેમ્બરમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં કુલ 179 અરબ ડોલરનું રોકાણ નોંધાયું. આમાં અમેરિકા 10.3 અરબ ડોલર સાથે પ્રથમ સ્થાને, બ્રિટન 2.23 અરબ ડોલર સાથે બીજા, સ્વિટ્ઝરલેન્ડ 1.9 અરબ ડોલર સાથે ત્રીજા અને ભારત 90.2 કરોડ ડોલર સાથે ચોથા સ્થાને રહ્યું. એશિયામાં ગોલ્ડ ઈટીએફમાં કુલ 2.1 અરબ ડોલરનું રોકાણ થયું, જેમાં ભારતનો હિસ્સો સૌથી મોટો રહ્યો. ચીનમાં 62.2 કરોડ ડોલર અને જાપાનમાં 41.5 કરોડ ડોલરનું રોકાણ નોંધાયું. વર્ષ 2025માં સૌથી મોટા વાર્ષિક રેકોર્ડ સાથે અત્યાર સુધી ભારતીય ગોલ્ડ ઈટીએફમાં કુલ 2.18 અરબ ડોલરનું રોકાણ થયું છે તુલનાત્મક રીતે જોઈએ તો વર્ષ 2024માં 1.29 અરબ ડોલર, વર્ષ 2023 માં 31 કરોડ ડોલર અને વર્ષ 2022માં માત્ર 3.3 કરોડ ડોલરનું રોકાણ થયું હતું. આ આંકડાઓ ગોલ્ડ ઈટીએફની વધતી લોકપ્રિયતા અને જે રોકાણકારોની ગોલ્ડ પ્રત્યે વધતી રુચિ સાથે વધતા વિશ્વાસને દર્શાવે છે.