સોનામાં બે દિવસમાં રૂા.3750નો વધારો, 24 કેરેટ ગોલ્ડનો ભાવ રૂા.1,02,000!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ નીતિના પગલે અમેરિકી ડોલરનુ સતત અવમુલ્યન થઇ રહયુ હોવાથી વૈશ્ર્વિક રોકાણકારો સોનામા રોકાણ તરફ આકર્ષાય રહયા છે. જેનાં પગલે સોનામા ભારે તેજી જળવાઇ રહી છે. છેલ્લા બે દિવસમા ર4 કેરેટ ફાઇન ગોલ્ડના ભાવમા પ્રતિ 10 ગ્રામે રૂ. 3750નો વધારો નોંધાયો છે. આજે રાજકોટ બુલિયન માર્કેટમા ર4 કેરેટ ફાઇન ગોલ્ડનો ટેકસ સાથેનો ભાવ રૂ. 1,02,000 બોલાયો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમા પણ સોનુ બે દિવસમા 1પ0 ડોલર જેટલુ ઉછળ્યુ હતુ અને ટુંક સમયમા જ 3પ00 ડોલરની સપાટી પાર કરે તેવી શકયતાઓ દેખાઇ રહી છે.
વર્ષ 2025મા સોનામા અત્યાર સુધીમા 6 ટકાથી વધુ વધારો નોંધાયો છે તેમજ ડોલર 3 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. વૈશ્ર્વિક બજારમા સોનાનો ભાવ ઓંશનાં 3486 ડોલર સુધી પહોંચી ગયા છે.
જેનાં પગલે દેશભરના ઝવેરી બજારમા પણ માંગ ધીમી હોવા છતા ભાવમા વધારો જોવા મળ્યો હતો. આજે રાજકોટનાં બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 1,02,200 બોલાયો હતો. આજના દિવસે ગઇકાલનાં ભાવથી રૂ. 1650 પ્રતિ 10 ગ્રામનો ઉછાળો નોંધાયો હતો. ચાંદી ગઇકાલે રાત્રે રૂ. 1,03,000 સુધી ટ્રેડ થઇ હતી પરંતુ આજે સવારમા નરમાઇનુ વલણ જોવા મળતા ચાંદી 98800 પર ટ્રેડ થઇ રહી છે.
વિશ્ર્વ બજારનાં જાણકારોનાં જણાવ્યા મુજબ વૈશ્ર્વિક સ્તરે ડોલર ઇન્ડેકસ તુટી જતા તેના ડ્રેડ વોર વધુ વકરતા તેમ જ અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પ તથા ફેડરલ રિઝર્વ વચ્ચે તણાવ વધતા વિશ્ર્વ બજારમા સોનામા ફંડોનુ બાઇંગ વધ્યુ હતુ. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો ડોલર વેચી સોનુ ખરીદી રહયાની ચર્ચા પણ વિશ્ર્વ બજારમા સંભળાઇ રહી હતી .