તહેવારો ટાણે જ સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી
ચાંદીમાં સતત બીજા દિવસે કિલોએ રૂા.7 હજારનો ઉછાળો, રૂા.2 લાખ ભણી દોટ, સોનામાં પણ રૂા.2 હજારના વધારા સાથે 1.30 લાખનો નવો હાઇ
સોના-ચાંદીના વેપારમાં તેજીનું તોફાન યથાવત રહ્યું છે અને છેલ્લા બે દિવસની બન્ને કિંમતી ધાતુ ભાવમાં અંધાધુંધ વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ચાંદીના ભાવમાં કિલોએ રૂા.7.5 હજાર અને સોનાના ભાવમાં રૂા.10 ગ્રામે 2550નો વધારો થયા બાદ આજે બજાર ખુલતા જ ભાવો રોકેટ ગતીએ ઉછળ્યા હોય તેમ ચાંદીના ભાવમાં કિલોએ રૂા.7 હજારનો વધારો થતા પ્રિમિયમ સહિતના ભાવ રૂા.1.90 લાખે પહોંચ્યો છે. તો સોનામાં પણ 10 ગ્રામે રૂા.2 હજારનો વધારો થતાં એક તોલા સોનાનો ભાવ રૂા.1.30 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.
દિવાળી-ધનતેરસના તહેવારો પૂર્વે જ સોના-ચાંદીના ભાવોમાં આગ લાગી હોય તેવી તેજી જોવા મળી રહી છે. જેના કારણે વેપારીઓ સાથે ગ્રાહકો પણ ગોટે ચડી ગયા છે.
આતરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો પ્રતિ ઔંસનો ભાવ 53.37 ડોલર પહોંચી ગયો છે.
જાણકારો મુજબ અમેરિકા અને ચાઇના વચ્ચે વધેલા વેપાર તણાવ અને અમેરિકામાં વધારે વ્યાજદર ઘટાડવાના આશાવાદના પગલે સફેદ ધાતુમાં ડીમાન્ડ વધી રહી છે. જેના પગલે હજૂ થોડો સમય તેજી ચાલુ રહે તેવી શકયતા છે. સોનામાં પણ આંતરાષ્ટ્રીય માર્કેટમાં ભારે ડિમાન્ડથી બેકાબુ તેજી ચાલુ રહી છે. ધનતેરસ પહેલા ચાંદી રૂા.2 લાખ પ્રતિકિલો અને સોનુ 1.35 લાખ પ્રતિ 10 ગ્રામ પહોંચે તેવી શકયતા વ્યકત કરાઇ છે.