ભારતમાં ચોથી વખત યોજાશે ગ્લોબલ રેપર પિટબુલ કોન્સર્ટ
6 ડિસેમ્બરે ગુરુગ્રામ અને 8 ડિસેમ્બરે હૈદરાબાદમાં આયોજન, ટિકિટનું વેચાણ શરૂ
આંતરરાષ્ટ્રીય રેપર અને ગાયક પિટબુલ ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર ભારતીય દર્શકો સામે લાઈવ પરફોર્મ કરવા આવી રહ્યા છે. ‘મિસ્ટર વર્લ્ડવાઈડ’ તરીકે જાણીતા પિટબુલ તેમના નવા ટૂર ‘આઈ એમ બેક’ હેઠળ ભારતના બે મોટા શહેરો - ગુરુગ્રામ અને હૈદરાબાદમાં પરફોર્મ કરશે.
આ મ્યુઝિકલ ટૂરની શરૂૂઆત 6 ડિસેમ્બરે ગુરુગ્રામના હુડા ગ્રાઉન્ડથી થશે, ત્યારબાદ 8 ડિસેમ્બરે પિટબુલ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં પરફોર્મ કરશે. આ સમાચારની જાણકારી બુક માય શો દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપવામાં આવી હતી, જેમાં લખ્યું હતું - ‘ભારત તૈયાર થઈ જાઓ, મિસ્ટર વર્લ્ડવાઈડ ફરી પાછા આવી રહ્યા છે.’
પિટબુલનું અસલી નામ આર્માન્ડો ક્રિશ્ચિયન પેરેઝ છે. વિશ્વભરમાં તેઓ તેમના હિટ ગીતો ‘ટિમ્બર’, ‘હોટેલ રૂૂમ સર્વિસ’ અને ‘નો લો ટ્રાટેસ’ માટે પ્રખ્યાત છે. તેમણે ભારતમાં આ પહેલા 2011, 2017 અને 2019માં પરફોર્મ કર્યું હતું અને દરેક વખતે તેમના કોન્સર્ટમાં દર્શકોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના ગીતોની ખાસિયત તેમની ઊર્જાવાન બીટ્સ અને ડાન્સ મ્યુઝિક છે, જે દરેક વખતે સ્ટેજને જોશથી ભરી દે છે. ભારતીય દર્શકોમાં પિટબુલનું સંગીત પહેલેથી જ ખૂબ લોકપ્રિય છે. ટિકિટનું વેચાણ 25 ઓક્ટોબરથી શરૂૂ થઈ ગયું છે.
પિટબુલ તેમના દરેક શોમાં ભારતીય ચાહકો સાથે જોડાણ દર્શાવે છે. તેમનું કહેવું છે કે ભારતનો પ્રેમ અને અહીંના દર્શકોની ઊર્જા તેમને વારંવાર પાછા આવવા મજબૂર કરે છે. ગુરુગ્રામ અને હૈદરાબાદ બંને શહેરોના સંગીત પ્રેમીઓ માટે આ એક યાદગાર તક બની શકે છે, જ્યારે ‘મિસ્ટર વર્લ્ડવાઈડ’ ખુદ સ્ટેજ પર ઉતરીને તેમની ધૂનોથી બધાને નાચવા મજબૂર કરી દેશે.