ઘર કા ભેદી લંકા ઢાયે: હિમાચલમાં ભાજપે નહીં કોંગ્રેસની આંતરિક લડાઇએ સિંધવીને હરાવ્યા
- સુખુ સામે વિક્રમાદિત્ય- પ્રતિભાસિંહ જુથના ગુપ્ત બળવા ઉપરાંત સિંધવીની ઉમેદવારી પણ વર્તમાન કટોકટી માટે કારણભૂત
હિમાચલ પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં જે આશંકા હતી તે જ થયું એટલે કે ક્રોસ વોટિંગ. જેનો સીધો ફાયદો ભાજપને થયો છે. આવી સ્થિતિમાં પૂરતા મતો હોવા છતાં કોંગ્રેસની હાર થઈ. કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને જીતાડ્યા હતા. હકીકતમાં, 68 સીટોવાળી હિમાચલ વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે 35 વોટની જરૂૂર હતી.
કોંગ્રેસના 40 અને ભાજપના 25 ધારાસભ્યો હતા. પરંતુ કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. એટલે કે ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને મત આપ્યો. આ સાથે બે અપક્ષ સહિત ત્રણ ધારાસભ્યોએ પણ ભાજપને મત આપ્યો હતો. આ રીતે ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને 34 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને પણ માત્ર 34 મત મળ્યા હતા. ટાઈ બાદ ચિઠ્ઠી કાઢીને નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ભાજપના હર્ષ મહાજનનો વિજય થયો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ઘણા નેતાઓ પણ અભિષેક મનુ સિંઘવીની ઉમેદવારીથી ખુશ નથી. આનાથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા ખૂબ નારાજ હતા. આનંદ શર્મા રાજ્યસભાની ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ પાર્ટીએ તેમને મેદાનમાં ઉતાર્યા ન હતા. સિંઘવીને હિમાચલમાં નઆઉટસાઇડરથ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમણે કોંગ્રેસની અંદર પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.સિંઘવીએ પોતે સ્વીકાર્યું કે આ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપની લડાઈ નથી, પરંતુ કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ છે. ચૂંટણી પરિણામો પછી પ્રેસ કોન્ફરન્સમાં સિંઘવીએ કહ્યું કે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોએ ગઈકાલ સુધી સાથે બેસીને નાસ્તો કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યો દિવંગત નેતા વીરભદ્ર સિંહના કેમ્પ સાથે જોડાયેલા હતા. હર્ષ મહાજન પણ આ જ છાવણીના હતા અને 2022માં ભાજપમાં જોડાતા પહેલા તેઓ તેમના માટે રણનીતિકાર તરીકે કામ કરતા હતા. વિધાનસભાની ચુંટણીમાં પક્ષનો વિજય થયો ત્યારે વિક્રમાદિત્યસિંહ- પ્રતિભાસિંહ જુથે સીએમ પદની માગણી કરી હતી.પણ રાહુલ ગાંધીએ સુબુની પસંદગી કરી હતી. એ પછી ભારે સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને વિક્રમાદિત્યને કેબિનેટમાં લેવાયા હતા. પરંતુ રાજ્યસભાની ચુંટણીમાં તેમણે આ રીતે બદલો લીધો છે.