પાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોત
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર MIDC સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં લીક થયેલા નાઇટ્રોજન ગેસને શ્વાસમાં લેવાથી ઓછામાં ઓછા ચાર કામદારોના મોત થયા છે અને બે અન્ય ગંભીર હાલતમાં છે. PTI દ્વારા ટાંકવામાં આવેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે બોઇસરના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત મેડલી ફાર્મામાં આ લીકેજ થયું હતું. પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે બપોરે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે, કંપનીના એક યુનિટમાંથી નાઇટ્રોજન ગેસ લીકેજ થયો હતો, જેનાથી ત્યાં કામ કરતા કર્મચારીઓ પ્રભાવિત થયા હતા.
મૃતકોની ઓળખ કલ્પેશ રાઉત, બંગાળી ઠાકુર, ધીરજ પ્રજાપતિ અને કમલેશ યાદવ તરીકે થઈ છે. છ કામદારોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સાંજે 6.15 વાગ્યાની આસપાસ ચારના મોત થયા હતા.અન્ય બેને સ્થાનિક હોસ્પિટલમાં સઘન સંભાળ એકમ (ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પાલઘર પોલીસે જણાવ્યું હતું કે તેઓએ સાક્ષીઓના નિવેદનો લઈને કેસ નોંધવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. ગુરુવારે બપોરે આ લીક થયું હતું.