જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસનો પ્રચાર કરશે ગેનીબેન અને જીજ્ઞેશ મેવાણી
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં આ ચૂંટણી યોજાશે અને 4 ઓક્ટોબરનાં રોજ પરિણામ જાહેર થશે.
હાલ, ત્યાં જબરદસ્ત ચૂંટણીનો માહોલ છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતનાં બે ફાયરબ્રાન્ડ નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનાં પડધમ વચ્ચે કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 જેટલા દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરશે. જ્યારે, ગુજરાતમાંથી કોંગ્રેસનાં બે ફાયરબ્રાન્ડ નેતા જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર જમ્મુ-કાશ્મીર પ્રચાર કરવા માટે જશે.
કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા બનાસકાંઠા લોકસભાનાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીની પસંદગી કરવામાં આવી છે. હવે, આ બંને સ્ટાર નેતાઓ જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીનાં પ્રચારની જવાબદારી સંભાળશે. જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.