દલિતો, ઓબીસીથી માંડી ઉચ્ચ જાતિઓ એનડીએને જબરદસ્ત સમર્થન
અત્યારસુધી કોઇ એક ગઠબંધનને 60 થી 80 ટકા સમર્થન મળ્યું હતું, આ વખતે સ્પષ્ટ ધ્રુવીકરણ: મહાગઠબંધનને મુસ્લિમ-યાદવોનું નોંધપાત્ર સમર્થન છતાં 2020ની તુલનામાં ઘટાડો
બિહાર વિધાનસભા તાજેતરની ચૂંટણી રાજ્યના તાજેતરના ઇતિહાસમાં સૌથી તીવ્ર ધ્રુવીકરણવાળી ચૂંટણીઓમાંની એક બનીને ઉભરી આવી છે. મતદાન પેટર્ન સ્પષ્ટપણે વિવિધ જાતીય જૂથોમાં એક જ ગઠબંધનની તરફેણમાં મજબૂત એકતા દર્શાવે છે. અત્યાર સુધી આ ટ્ર્રેન્ડ ફક્ત 60 થી 80 ટકા સુધી જ મર્યાદિત હતો. એટલે કે કોઈ એક જાતિના 60થી 80 ટકા મતદારો એક જ પક્ષની તરફેણમાં મતદાન કરવાનો ટ્રેન્ડ ધરાવતા હતા. પણ આ વખતે એનાથી પણ વધુ મતદારો એકજૂથ થયા હોવાનું દેખાઈ રહ્યું છે.
2020ની વિધાનસભા ચૂંટણીઓની સરખામણીમાં કેટલાક ફેરફારો ચોક્કસપણે દેખાઈ રહ્યા છે, પરંતુ એકંદરે વલણો દર્શાવે છે કે આ વખતે જાતીય ધ્રુવીકરણ વધુ મજબૂત બન્યું છે. આ વલણ ખાસ કરીને એનડીએ ગઠબંધનની તરફેણમાં હતું, જ્યારે પાછલી ચૂંટણીઓમાં મતદારોની પસંદગી ખૂબ જ છૂટીછવાઈ હતી.
લોકનીતિ સંસ્થાએ તાજેતરના સર્વેનું વિશ્ર્લેષણ અગાઉની ચૂંટણીઓના જાતિવાર ડેટા સાથે સરખાવીને કર્યું છે. તે આ ફેરફારોના સ્કેલ અને દિશા બંનેને સ્પષ્ટપણે દર્શાવે છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે બિહારનું ચૂંટણી રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે. 2025માં ઉચ્ચ જાતિઓએ મોટી સંખ્યામાં એનડીએને ટેકો આપ્યો છે. એનડીએને બ્રાહ્મણોનો સૌથી મજબૂત ટેકો મળ્યો છે, જ્યાં 82 ટકા મત ગઠબંધનની તરફેણમાં ગયા છે. ત્યારપછી એનડીએને ભૂમિહારો તરફથી 74% અને અન્ય ઉચ્ચ જાતિઓ તરફથી 77% મત મળ્યા હતા.2020 સાથે સરખામણી કરીએ તો એનડીએને ઉચ્ચ જાતિઓનો ટેકો 52% થી 59% ની વચ્ચે રહ્યો હતો. આનો અર્થ એ થયો કે તે સમયે તેમાંથી એક નોંધપાત્ર ભાગ અન્ય પક્ષો તરફ ગયો હતો. એકંદરે, આ વખતની પેટર્ન દર્શાવે છે કે ઉચ્ચ જાતિઓની લગભગ આખી વોટબેન્ક એનડીએ પાછળ એકજૂથ થઈ ગઈ છે. ઓબીસી મતદારોમાં લગભગ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
મુખ્ય મંત્રી નીતીશકુમારના પરંપરાગત આધાર ગણાતા કુર્મી-કોઇરી સમુદાયોના 71% મત આ વર્ષે એનડીએને ગયા છે. તે જ સમયે પછાત જાતિનાં વિવિધ જૂથોના કુલ 68% મત એનડીએની તરફેણમાં ગયા.2020ની ચૂંટણીમાં આ સમર્થન ઓછું એકજૂથ હતું. તે સમયે, કુર્મી-કોઇરીના 66% અને બાકીની ઓબીસી જાતિઓના 58% લોકોએ એનડીએને મત આપ્યો હતો, જ્યારે બાકીના મતો વિવિધ પક્ષો વચ્ચે વહેંચાઈ ગયા હતા.
આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને આ વખતે પણ તેના પરંપરાગત પખઢથ (મુસ્લિમ-યાદવ) મતદારો તરફથી નોંધપાત્ર સમર્થન મળ્યું છે. જોકે, 2020ની તુલનામાં આ સ્પષ્ટ ઘટાડો છે. આ વર્ષે 74 ટકા યાદવો અને 69 ટકા મુસ્લિમોએ મહાગઠબંધનને ટેકો આપ્યો છે. જોકે, પાછલી ચૂંટણીઓની સરખામણીમાં આ ઘટાડો છે.
છેલ્લી ચૂંટણીમાં 84 ટકા યાદવો અને 76 ટકા મુસ્લિમોએ મહાગઠબંધનને ટેકો આપ્યો હતો. આ ઘટાડા સાથે, એનડીએને ખરેખર બંને સમુદાયો તરફથી થોડો ટેકો મળ્યો છે. મહાગઠબંધનને મતદાન કરતાં જૂથોમાં આ ફેરફારને કારણે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ માટે જગ્યા બની છે.
2020ના તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરતાં, એઆઈએમઆઈએમએ આ વખતે પાંચ બેઠકો જીતી છે. આ બધી બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ વસ્તી 35 ટકાથી વધુ છે. એનડીએની શાનદાર જીત વચ્ચે પણ એઆઈએમઆઈએમની સફળતા દર્શાવે છે કે મુસ્લિમ મતદારોનો એક વર્ગ સીધો એવું રાજકીય પ્રતિનિધિત્વ પસંદ કરે છે જે તેમના મુદ્દાઓ પર સીધું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વર્ગ મહાગઠબંધન જેવા પરંપરાગત સેક્યુલર જોડાણોની વિશ્વસનીય વોટબેન્ક તરીકે મર્યાદિત રહેવા માંગતો નથી. જોકે, મહાગઠબંધને હજુ પણ પખઢથ સમુદાયોમાં મજબૂત લીડ જાળવી રાખી છે, ત્યારે 2025નાં પરિણામો યાદવ અને મુસ્લિમ મતદારોમાં થોડો પણ નોંધપાત્ર ફેરફાર તો દર્શાવે જ છે.
દલિત વોટબેન્ક કઈ બાજુ હતી?
આ વર્ષની ચૂંટણીમાં પણ અગાઉની ચૂંટણીઓ કરતાં દલિત મતોમાં ઘણો સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો. પાસવાન/દુસાધ સમુદાય, જે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના પરંપરાગત મતદાતા છે, તેમણે આ વખતે એનડીએને ભારે સમર્થન આપ્યું છે. સમુદાયના 62 ટકા મત ગઠબંધનને ગયા છે. 2020 માં, જ્યારે એલજેપીએ એનડીએથી અલગ ચૂંટણી લડી, ત્યારે પાસવાન સમુદાયના 31 ટકા મત એલજેપીની તરફેણમાં ગયા હતા. તે સમયેએ એનડીએને સમુદાયના 18 ટકા મત મળ્યા હતા. આ સંદર્ભમાં 2025નાં પરિણામો એનડીએની જીત પાછળ પાસવાન મતોનું મોટું ધ્રુવીકરણ સૂચવે છે. બાકીની દલિત જાતિઓ પણ એનડીએ તરફ ઝુકાવ ધરાવતી દેખાય છે. દલિત જાતિઓના પણ એનડીએને બે તૃતીયાંશ મતો મળ્યા છે. આનાથી વિપરિત 2020માં દલિત મતો ખૂબ જ વિભાજિત હતા અને કોઈપણ ગઠબંધનને મોટાભાગના દલિત સમુદાયોનો સર્વસંમતિથી ટેકો મળ્યો ન હતો. 2025નો જનાદેશ અગાઉની ચૂંટણીઓ કરતાં દલિત મતદારોમાં વધુ સ્પષ્ટ અને વધુ એકજૂથ વલણ દર્શાવે છે.
હારની જવાબદારી લેતા કિશોર: પાયશ્ર્ચિતરૂપે મૌન ઉપવાસ કરશે
ગુજરાત મિરર, પટના,તા.18: તાજેતરમાં પૂર્ણ થયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી એક પણ બેઠક જીતી ન શકી તે પછી જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે મંગળવારે તેમની પહેલી જાહેર પ્રતિક્રિયા આપી. પટનામાં બોલતા, તેમણે કહ્યું કે પરિણામો તેમના પોતાના અભિગમમાં ખામીઓ દર્શાવે છે અને હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે. આ સાથે તેમણે પ્રાયશ્ચિત તરીકે 20 નવેમ્બરે એક દિવસના મૌન ઉપવાસની જાહેરાત કરી હતી. કિશોરે સ્વીકાર્યું કે આ હાર મતદારોને જીતવામાં તેમની અસમર્થતાને પ્રતિબિંબિત કરે છે. જો જનતાએ અમારામાં વિશ્વાસ ન બતાવ્યો હોય, તો તેની જવાબદારી સંપૂર્ણપણે મારી છે. હું તે જવાબદારી 100% મારી જાત પર લઉં છું, કે હું બિહારના લોકોનો વિશ્વાસ જીતી શક્યો નહીં, તેમણે ઉમેર્યું, વ્યવસ્થિત પરિવર્તન ભૂલી જાઓ; આપણે સત્તામાં પરિવર્તન પણ લાવી શક્યા નહીં, જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જન સુરાજે બિહારના રાજકારણને બદલવામાં કોઈ ભૂમિકા ભજવી હતી.