એર ટિકિટ બુકિંગના 48 કલાકમાં મફત કેન્સલેશન ?
21 દિવસમાં રિફંડ આપવા સહિતનો પ્રસ્તાવ
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA ) એ એર ટિકિટ રિફંડના નિયમોમાં નોંધપાત્ર ફેરફારોની દરખાસ્ત કરી છે, જેનાથી વિમાન પ્રવાસીઓને મોટી રાહત મળવાની અપેક્ષા છે.
આ નવા પ્રસ્તાવો મુજબ, મુસાફરોને ટિકિટ બુક કરાવ્યાના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ અથવા સુધારા કરવાની મંજૂરી આપવામાં આવશે. DGCA એ આ સુવિધાને લૂક-ઇન ઓપ્શન તરીકે ઓળખાવી છે. જોકે, આ સુવિધા તે ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ નહીં હોય જે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે બુકિંગની તારીખથી 5 દિવસથી ઓછા સમયમાં અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 15 દિવસથી ઓછા સમયમાં ઉપડવાની હોય.
વધુમાં, જો કોઈ મુસાફર એરલાઇન્સની વેબસાઇટ દ્વારા સીધી ટિકિટ બુક કરાવે અને 24 કલાકની અંદર તેના નામમાં થયેલી ભૂલ જણાવે, તો એરલાઇન તે જ વ્યક્તિના નામમાં સુધારો કરવા બદલ કોઈ વધારાનો ચાર્જ લઈ શકશે નહીં.
DGCA એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ અથવા પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય, તો પણ રિફંડની પ્રાથમિક જવાબદારી એરલાઇન્સની રહેશે, કારણ કે એજન્ટો તેમના નિયુક્ત પ્રતિનિધિઓ છે. એરલાઇન્સને 21 કામકાજી દિવસોની અંદર રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપવાની રહેશે. આ ઉપરાંત, તબીબી કટોકટી ના કારણે મુસાફર દ્વારા ટિકિટ રદ કરવામાં આવે તો એરલાઇન્સ ટિકિટ રિફંડ આપી શકે છે અથવા ક્રેડિટ શેલ પ્રદાન કરી શકે છે DGCA એ આ પ્રસ્તાવિત ફેરફારો પર હિતધારકો પાસેથી 30 નવેમ્બર સુધીમાં ટિપ્પણીઓ માંગી છે.
