NSEના અન-લિસ્ટેડ શેરોનું વેચાણ કરી 100 કરોડની છેતરપિંડી; SEBIમાં ફરિયાદ
1600 રૂા.ભાવે શેર ઓફર કર્યા બાદ IPO Iઆવશે તેવી હવા ફેલાવી શેરનો ભાવ 2200 પહોંચાડી દીધો; ડિલિવરી ન મળતાં ભાંડાફોડ થયો
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના આવી રહેલા ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (ઈંઙઘ)માં રોકાણ કરવા માટે છેલ્લા કેટલાક મહિનાથી ઉત્તેજના વધી હતી, ખાસ કરીને સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ની મંજૂરીના સંકેત બાદ આ એક્સચેન્જના અનલિસ્ટેડ સ્ટોક્સની માર્કેટ ગરમ થઈ ગઈ હતી. NSEના અનલિસ્ટેડ શેરની ડિમાન્ડ અને ભાવ સતત વધતા રહ્યા હતા જેમાં હાલ ચોક્કસ બ્રોકરો કે તેના કર્મચારીઓ દ્વારા ગરબડ થઈ હોવાના અહેવાલ બહાર આવ્યા છે. અમુક વર્ગ આ શેરના ભાવ હજી વધતા રહેશે એવી વાતો વહેતી કરી ભાવ ઊંચા ખેંચતા રહ્યા હતા, જ્યારે કે ચોક્કસ બ્રોકરેજ કંપનીઓએ આ શેર વેચાણ માટે ઉપલબ્ધ હોવાનું જણાવી કેટલાક રોકાણકારો પાસેથી નાણાં ઊભાં કરી લીધાં હતાં. જોકે એ શેરની ડિલિવરી આપી નહોતી જેને પગલે આ કૌભાંડ બહાર આવ્યું છે અને હાલ આ શેરના અનલિસ્ટેડ માર્કેટમાં થતા સોદાઓ સામે શંકા ઊભી થવા લાગી છે. બજારમાં ચેતવણીઓ-સાવચેત રહેવાની સલાહ ફરવા લાગી છે તેમ જ સંબંધિત સત્તાવાળાઓ સુધી ફરિયાદ પહોંચી છે અને તપાસ પણ ચાલી રહી છે.
આ કેસમાં પ્રાપ્ત માહિતી મુજબ એક ફાઇનેન્શયલ કંપનીએ બીજી એક પ્રાઇવેટ કંપની અને એના ડિરેક્ટર્સ સામે જૂનના પ્રથમ સપ્તાહમાં જ ઇકોનોમિક ઑફેન્સ વિંગમાં ફરિયાદ ફાઇલ કરી હતી, જ્યારે કે ચર્ચામાં આ મામલો તાજેતરમાં આવ્યો છે.
બજારનાં સાધનોના મતે આ કૌભાંડનો આંકડો 100 કરોડ રૂૂપિયાથી વધુ બોલાય છે. આમાં મજાની વાત એ છે કે જે કંપની આ કેસમાં પોતે ફસાઈ છે એણે આ ગરબડ કરી હોવાના અહેવાલ ફરતા થતાં એણે પોતાની સ્પષ્ટતા બહાર પાડી છે જેમાં એણે આ કૌભાંડ કરનાર કંપનીનું નામ જાહેર કરી જણાવ્યું છે કે એ કંપની સામે એણે પોતે સંબંધિત ઑથોરિટીઝને ફરિયાદ કરી છે અને એમાં ચાલી રહેલી તપાસમાં પોતે સહયોગ આપી રહી છે.
આ વિષયમાં ફરતા થયેલા અહેવાલ અનુસાર એક ટોચની બ્રોકિંગ કંપનીના કર્મચારીઓ આ શેરમાં ચોક્કસ ગણતરીપૂર્વક રમત રમતા હતા, તેઓ 1600 રૂૂપિયાના ભાવે આ શેર ઑફર કરતા હતા.
ત્યાર બાદ એ શેર્સની વેચનાર પાસેથી આગોતરી ડિલિવરી લઈ લેતા હતા. બીજી બાજુ ખરીદનાર પાસેથી લેખિત કમિટમેન્ટ લઈને નાણાં પણ લઈ લેતાં હતાં. આમ કરવા સાથે તેઓ બજારમાં NSEના IPO વિશે ઊંચા ભાવની અફવા ફેલાવતા હતા, જેથી વધુ ભાવ ઊછળે અને ડિલિવરી અટકાવી દઈ એના વધુ ઊંચા ભાવનો લાભ લેતા હતા. આમ 1600 રૂૂપિયાના શેર 2200 સુધી ખેંચાયા હતા. આ વિશેની ફરિયાદ SEBIને પણ થઈ હોવાનું ચર્ચાય છે. જોકે હાલ કૌભાંડી વ્યક્તિઓ ફરાર હોવાની વાતો ચાલી રહી છે.