સમય રૈના સહિત ચાર કોમેડિયનને દિવ્યાંગ વ્યક્તિઓની પ્રેરણાદાયી વાર્તા રજૂ કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના અને અન્ય ત્રણ કોમેડિયનને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે તેમને દિવ્યાંગ (ખાસ ક્ષમતા ધરાવતા) વ્યક્તિઓની પ્રેરણાદાયી વાર્તાઓ રજૂ કરવા માટે શો યોજવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ આદેશ કોઈ સજા નથી પરંતુ એક સામાજિક જવાબદારી છે.
આ વિવાદ સમય રૈનાના યુટ્યુબ શો ઈન્ડિયાઝ ગોટ લેટન્ટના એક એપિસોડથી શરૂૂ થયો હતો. આ એપિસોડમાં દિવ્યાંગ લોકો વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓને અસંવેદનશીલ અને અપમાનજનક માનવામાં આવી હતી. આ અંગે ક્યોર એસએમએ ફાઉન્ડેશન નામની સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કોમેડિયનો સામે કાર્યવાહીની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે, અમે તમારા (કોમેડિયન્સ) પર જે નાખી રહ્યા છીએ તે સામાજિક બોજ છે, દંડાત્મક બોજ નથી. તમે સમાજમાં સારી સ્થિતિ ધરાવો છો અને જો તમે લોકપ્રિય થયા છો, તો તમારે તમારી લોકપ્રિયતાનો ઉપયોગ સારા કાર્યો માટે કરવો જોઈએ.કોમેડિયનોએ એવા કાર્યક્રમો યોજવા પડશે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓની સફળતા અને સંઘર્ષની વાર્તાઓ રજૂ કરવામાં આવે. આ શો દ્વારા એકત્ર કરાયેલા ફંડનો ઉપયોગ દિવ્યાંગોની સારવાર અને મદદ માટે કરવામાં આવશે.કોર્ટે આશા વ્યક્ત કરી છે કે કેસની આગામી સુનાવણી પહેલા આવા કાર્યક્રમો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારે વિરોધ બાદ સમય રૈનાનો વિવાદિત એપિસોડ યુટ્યુબ પરથી હટાવી લેવામાં આવ્યો હતો. કોર્ટનો આ નિર્ણય ફ્રી સ્પીચ અને સામાજિક સંવેદનશીલતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ માનવામાં આવે છે