પૂર્વ કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહ ભાજપમાંથી 6 વર્ષ સુધી સસ્પેન્ડ
પૂર્વ કેન્દ્રીયમંત્રી આર. કે. સિંહ સામે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓને કારણે તેમની સામે આ કાર્યવાહી કરાઈ હોવાની માહિતી મળી રહી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને નૌકરશાહથી નેતા બનેલા આર. કે. સિંહે તેમના તાજેતરના નિવેદનોથી બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપ માટે સતત મુશ્કેલી ઊભી કરી હતી. તેમણે નીતિશ સરકાર સામે ગંભીર આરોપો મૂક્યા હતા જેના લીધે પાર્ટી માટે સ્થિતિ અસહજ બની હતી.
આર.કે. સિંહ સતત ભાજપ નેતૃત્વથી દૂર રહેતા હતા અને પક્ષના નેતાઓ વિરુદ્ધના પ્રશાંત કિશોરના નિવેદનોને ખુલ્લેઆમ ટેકો આપતા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમણે વડાપ્રધાન અને પક્ષની બેઠકોથી અંતર જાળવી રાખ્યું હતું, જેનાથી ભાજપ નેતૃત્વ માટે ચિંતા વધી હતી. પક્ષ માનતો હતો કે ચૂંટણી દરમિયાન કોઈપણ કઠોર કાર્યવાહીનો વિરોધ પક્ષ દ્વારા મુખ્ય મુદ્દા તરીકે ઉપયોગ કરી શકાય છે. પરંતુ આખરે, સંજોગોને કારણે ભાજપે તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા પડ્યા.