પૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોક
આર્થિક સુધારાના જનક, સમાવેશી આર્થિક વિકાસના હિમાયતી રહ્યા હતા: વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની શ્રધ્ધાંજલિ
લાંબા સમયથી બીમાર ડો.સિંહે ગઇરાતે એઇમ્સમાં 92 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા: અમેરિકાથી પુત્રીના આગમન બાદ આવતીકાલે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરાશે
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર સરકારે સાત દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આજે વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં સદગત મનમોહનસિંહને શ્રધ્ધાંજલી આપતો ઠરાવ પસાર કરાયો હતો. તેમના પુત્રી અમેરીકાથી આવ્યા બાદ તેમનો અંતિમ સંસ્કાર સંભવત આવતીકાલે કરાશે એમ દિલ્હી કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષીતે જણાવ્યું હતું.
પૂર્વ પીએમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમના મૃત્યુ બાદ મનમોહન સિંહના પાર્થિવ દેહને મોડી રાત્રે એઈમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના નેતાઓએ તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. અગાઉ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને બેલગાવીથી પરત ફરેલા રાહુલ ગાંધી પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ગુરુવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસે જાહેરાત કરી કે તેણે શુક્રવારે કર્ણાટકના બેલગાવીમાં યોજાનારી રેલીને રદ કરી દીધી છે.
1932માં અવિભાજી પંજાબમાં જન્મેલા મનમોહન સિંહે 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. આ વર્ષની શરૂૂઆતમાં, તેઓ 33 વર્ષની સેવા બાદ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા.
2004 થી 2014 સુધી વડા પ્રધાન તરીકે, તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારનું નેતૃત્વ કર્યું, જેમાં આર્થિક સુધારાઓ, સમાવેશી વૃદ્ધિ અને ભારતના વૈશ્વિક એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નાણાપ્રધાન તરીકે 1990 દરમ્યાન તેમણે દેશમાં લાયસન્સ રાજ ખમત કરી આર્થિક ઉદારીકરણ યુગના મંડાણ કર્યા હતા. વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા સહીતના દિગ્ગજોએ તેમને શ્રધ્ધાંજલી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડો. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એકસ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડો. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. સામાન્ય પશ્ચાદભૂમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણાપ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષોથી અમારી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ ખૂબ જ વ્યવહારુ હતો, અમારા વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા.
મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, મનમોહન સિંહજીએ અપાર બુદ્ધિમત્તા અને વફાદારી સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંથી લાખો લોકો જેઓ તેમના ચાહકો હતા તેઓ તેમને ખૂબ જ ગર્વથી યાદ કરશે.
મનમોહનસિંહની વ્યાવસાયિક રાજકીય કારકિર્દી એક મિસાલ
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહનું લાંબી માંદગી બાદ ગુરુવારે દિલ્હીમાં નિધન થયું હતું. એક સામાન્ય પરિવારમાંથી આવતા ડો.સિંહની વ્યવસાયિક અને રાજકીય કારકિર્દીની ઝલક અહીં પ્રસ્તુત છે.
1954: પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી.
1957: કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક ટ્રાઇપોસ
1962: ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ
1971: સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા.
1972: નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક.
1980-1982: યોજના આયોગના સભ્ય
1982-1985: ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર
1985-1987: યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી
1987-1990: જિનેવામાં દક્ષિણ કમિશનના સેક્રેટરી જનરલ
1990: આર્થિક બાબતો પર વડા પ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત.
1991: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્
1991: પ્રથમ વખત આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા
1991-1996: પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી
1998-2004: રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા
2004-2014: ભારતના વડાપ્રધાન
મનમોહનની પાંચ મોટી ઉપલબ્ધિ, જેને દેશ યાદ રાખશે
ડો.મનમોહન સિંહના નિધનને ભારતીય રાજનીતિ અને આર્થિક જગત માટે અપુરતી ખોટ માનવામાં આવી રહી છે. ડો.મનમોહન સિંહની ગણના દેશના સૌથી કાર્યક્ષમ અને પ્રામાણિક નેતાઓમાં થતી હતી. તેમની લાંબી રાજકીય અને વહીવટી કારકિર્દીમાં, તેમણે ઘણા નિર્ણયો લીધા જેણે ભારતની દિશા અને સ્થિતિ બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ડો. મનમોહન સિંહની સૌથી મોટી સિદ્ધિ 1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂૂઆત હતી. તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવના નેતૃત્વમાં મનમોહન સિંહ નાણામંત્રી બન્યા. તે સમયે દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. વિદેશી હૂંડિયામણના ભંડાર લગભગ ખાલી હતા અને દેશ પર દેવાના ભારે દબાણમાં હતા. આવી સ્થિતિમાં ડો. સિંહે સાહસિક નિર્ણયો લીધા અને ભારતના અર્થતંત્રને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ (એલપીજી)ના માર્ગ પર લઈ જવાનું કામ કર્યું. આ સુધારાઓએ ભારતને નવી આર્થિક શક્તિ બનવાનો માર્ગ મોકળો કર્યો.
ડો. મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે દેશમાં આઈટી અને ટેલિકોમ ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી. ઇઙઘ અને ઈંઝ ઉદ્યોગે વૈશ્વિક ઓળખ મેળવી અને લાખો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી. ટેલિકોમ સેક્ટરમાં સુધારાથી દેશના દરેક ખૂણે મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આવી ગઈ. ડો. મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારે 2006માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ-MGNREGA લાગુ કર્યો હતો. આ યોજના ગ્રામીણ ભારતમાં ગરીબ પરિવારોને 100 દિવસની ગેરંટીવાળી રોજગાર પૂરી પાડે છે.
આ યોજનાએ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટાડવામાં મદદ કરી નથી પરંતુ ગ્રામીણ વિકાસને પણ વેગ આપ્યો છે. ડો.મનમોહન સિંઘની દૂરંદેશીનું સૌથી મોટું ઉદાહરણ 2008માં ભારત-અમેરિકા પરમાણુ કરાર છે. આ કરાર ભારતને નાગરિક પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આના દ્વારા દેશમાં ઉર્જા સંકટ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે પાયો નાખવામાં આવ્યો હતો.