જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે આજે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા હતા. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
સત્યપાલ મલિક ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2019 સુધી ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્યના છેલ્લા રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 રદ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. યોગાનુયોગ, આજે આ નિર્ણયની છઠ્ઠી વર્ષગાંઠ છે અને આ દિવસે સત્યપાલ મલિકે અંતિમ શ્વાસ લીધા.
જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન પછી, સત્યપાલ મલિકને ગોવાના 18મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના 21મા રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.