મોદીના 10 વર્ષના શાસનમાં વિદેશી દેવું 250 અબજ ડોલર વધ્યું: સરકારની સંસદમાં કબૂલાત
2013-14માં વિદેશી લોનનું વ્યાજ 11.20 અબજ ડોલર હતું, હવે વધીને 27.14 અબજ ડોલર
નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ભારતનું વિદેશી દેવું 250 બિલિયન ડોલરથી પણ વધુ વધી ગયું છે. મંત્રાલયને લોકસભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 31 માર્ચ, 2014ના રોજ દેશ પર કુલ કેટલું વિદેશી દેવું હતું અને 31 ડિસેમ્બર, 2024 સુધીમાં તે કેટલું થઈ ગયું છે. આ પ્રશ્નના જવાબમાં નાણા મંત્રાલયે જણાવ્યું કે સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ દેશ પર 711.8 બિલિયન યુએસ ડોલરનું વિદેશી દેવું છે, જ્યારે 31 માર્ચ, 2014ના રોજ આ આંકડો 446.2 બિલિયન યુએસ ડોલર હતો. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં દેશનું વિદેશી દેવું આશરે 265.6 અબજ ડોલર જેટલું વધ્યું છે. આ આંકડો દેશની આર્થિક સ્થિતિ અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે.
નાણા મંત્રાલયે માત્ર દેવામાં થયેલા વધારાની જ માહિતી નથી આપી, પરંતુ વિદેશી લોન પર ચૂકવવામાં આવતા વ્યાજના આંકડા પણ રજૂ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું કે વર્ષ 2013-14 દરમિયાન વિદેશી લોન પર 11.20 અબજ ડોલરનું વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2023-24 દરમિયાન આ વ્યાજ વધીને 27.10 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આ આંકડો દર્શાવે છે કે સરકાર પર વ્યાજનો બોજ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે.
વિપક્ષી પક્ષો આ મુદ્દે સરકારને સતત ઘેરી રહ્યા છે. કોંગ્રેસ, ટીએમસી, સપા સહિતની તમામ મોટી વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે યુપીએના કાર્યકાળ દરમિયાન દેશનું જેટલું કુલ વિદેશી દેવું હતું, તેના લગભગ 50 ટકા જેટલો વધારો એનડીએ સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં થયો છે. વિપક્ષી નેતાઓ આ આંકડાઓને ટાંકીને સરકારની આર્થિક નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને દેશની આર્થિક સ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.