20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોત
કાશ્મીરમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન, 12 ફ્લાઈટ્સ રદ, 150થી વધુ મોડી પડી, સેંકડો ટ્રેનોની અવરજવર પ્રભાવિત
અતિશય ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં સતત ચોથા દિવસે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. ઉત્તરપશ્ચિમમાં જમ્મુ અને કાશ્મીરથી ઉત્તરપૂર્વમાં ત્રિપુરા સુધી 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી. ધુમ્મસને કારણે માર્ગ, રેલ અને હવાઈ ટ્રાફિકને પણ ગંભીર અસર થઈ હતી.
ધુમ્મસના કારણે 12 ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. 100થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. ધુમ્મસના કારણે 51 ટ્રેનો પણ મોડી દોડી હતી. ઠંડીએ 15 લોકોના જીવ પણ લીધા હતા. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં મોડી રાત્રે વરસાદ અને હિમવર્ષાને કારણે એક વાહન રસ્તા પરથી લપસી ગયું અને નાળામાં પડી ગયું. તેમાં છ લોકો હતા, જેઓ આખી રાત ત્યાં જ રહ્યા. સવારે અકસ્માતની જાણ થઈ ત્યાં સુધીમાં તેમાંથી ચાર લોકો ઠંડીના કારણે મૃત્યુ પામ્યા હતા. ડ્રાઈવર સહિત બે લાપતા છે. યુપીમાં ઠંડીના કારણે 7 લોકોના મોત થયા છે. જેમાં હમીરપુરમાં 5, ભદોહી અને મહોબામાં એક-એક મૃત્યુનો સમાવેશ થાય છે. તે જ સમયે, પંજાબના ફિરોઝપુરમાં ધુમ્મસના કારણે એક માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ગાઢ ધુમ્મસને કારણે, પાલમ સહિત દિલ્હીના ઘણા વિસ્તારોમાં સવારે 4:00 થી 7:30 વચ્ચે દૃશ્યતા શૂન્ય રહી હતી. જેની સીધી અસર હવાઈ સેવા પર પડી હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન મોડું થયું હતું. શ્રીનગર અને ચંદીગઢ એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી, જેના કારણે સવારે બંને જગ્યાએથી અનુક્રમે 10 અને બે ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.
ધુમ્મસના કારણે 51 ટ્રેનો પણ મોડી પડી હતી, જેમાં મોટાભાગની ટ્રેનો દેશના વિવિધ ભાગોમાંથી રાષ્ટ્રીય રાજધાનીમાં આવી રહી હતી. જયપુર-ભટિંડા ત્રણ કલાક, ગોરખધામ સુપરફાસ્ટ પાંચ કલાક, સિરસા એક્સપ્રેસ છ કલાક મોડી પડી હતી.
જમ્મુ અને કાશ્મીરના કોકરનાગમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન -8.1 ડિગ્રી નોંધાયું હતું. મેદાની વિસ્તારોમાં, મધ્ય પ્રદેશના મંડલામાં લઘુત્તમ લઘુત્તમ 4.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને ગાઝિયાબાદ અને નોઇડામાં 8 ડિગ્રી હતું.
ઠંડીથી બચવા ઈલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કર્યુ: ગૂંગણામણથી પરિવારના પાંચનાં મોત
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા. આ લોકો ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેના લીધે ગૂંગળામણ થતાં તમામ મૃત્યુ પામ્યા હતા. સવારે જ્યારે પરિવાર ન જાગ્યો ત્યારે પડોશીઓને કંઈક અઘટિત થવાની આશંકા થઈ હતી. તેમણે પોલીસને ફોન કરીને મામલાની જાણ કરી. પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને એક પુરુષ, મહિલા અને તેમના ત્રણ બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા.