પંજાબના 9 જિલ્લામાં પૂર: 1300 ગામો ડૂબ્યાં, 30ના મોત, સ્કૂલ-કોલેજો બંધ
જમ્મુ કાશ્મીર બાદ હવે પંજાબમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પંજાબ છેલ્લા એક મહિનાથી પૂરની ઝપેટમાં છે. રાજ્યના 1312 ગામોના 2.56 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે અને 2.56 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારે તેને દાયકાઓમાં સૌથી ગંભીર કુદરતી આફત ગણાવી છે. રાજ્યમાં સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થવાથી ઘણા જિલ્લાઓમાં ભારે વિનાશ થયો છે.
પૂરની સૌથી વધુ અસર અમૃતસરમાં જોવા મળી છે, જ્યાં 35,000 લોકો પ્રભાવિત થયા છે. આ પછી, ફિરોઝપુરમાં 24,015, ફાઝિલ્કામાં 21,562, પઠાણકોટમાં 15,053, ગુરદાસપુરમાં 14,500, હોશિયારપુરમાં 1,152, SAS નગરમાં 7,000, કપૂરથલામાં 5,650, મોગામાં 800, જલંધરમાં 653, માનસામાં 163 અને બરનાલામાં 59 લોકો પ્રભાવિત થયા છે.
રાજ્ય સરકારના બુલેટિન મુજબ, પઠાણકોટમાં સૌથી વધુ 6 મૃત્યુ નોંધાયા છે. અમૃતસર, બરનાલા, હોશિયારપુર, લુધિયાણા, માનસા અને રૂપનગરમાં 3-3 લોકો મૃત્યુ પામ્યા છે. ભટિંડા, ગુરદાસપુર, પટિયાલા, મોહાલી અને સંગરુરમાં 1-1 મૃત્યુ નોંધાયું છે. પઠાણકોટમાં હજુ પણ ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે.
અત્યાર સુધીમાં 15,688 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગુરદાસપુરમાં સૌથી વધુ ૫,૫૪૯ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ફિરોઝપુરમાં ૩,૩૨૧, ફાઝિલ્કામાં ૨,૦૪૯, અમૃતસરમાં ૧,૭૦૦ અને પઠાણકોટમાં ૧,૧૩૯ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવવામાં આવ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પૂર અંગે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે મુખ્યમંત્રી માન સાથે ફોન પર વાત કરી હતી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
પંજાબમાં આવેલા પૂરને કારણે હરિયાણામાં પણ સ્થિતિ ખરાબ છે. બંને રાજ્યોમાં વહેતી નદીઓ પૂરની સ્થિતિમાં છે. હરિયાણામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે.
ભિવાની, હિસાર, સિરસા, યમુનાનગર, કુરુક્ષેત્ર અને પંચકુલામાં આજે કેટલીક સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ગુરુગ્રામની ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે.
ચંદીગઢમાં ભારે વરસાદને કારણે આજે તમામ શાળાઓ બંધ જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્રે પટિયાલાની રાવ નદી પર નજર રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં સમયસર ચેતવણી આપવાના નિર્દેશો પણ આપ્યા છે. તેવી જ રીતે, પંજાબ સરકારે રાજ્યભરમાં કોલેજો, યુનિવર્સિટીઓ અને પોલિટેકનિક સંસ્થાઓ ૩ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.