કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતાં પાંચના મોત, અનેકને ઇજા
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે મંગળવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટેમ્પો ટ્રાવેલર વાહન ઊંડી ખીણમાં ખાબકી પડતા અનેક મુસાફરોના મોત થયા હોવાની અને અનેકને ઈજા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટના ડોડા-બારથ રોડ પર પોંડા નજીક બની હતી. ટેમ્પો ટ્રાવેલર વાહન રસ્તા પરથી કાબુ ગુમાવીને એક ઊંડી ખીણમાં પડ્યું હતું. દુર્ઘટના સમયે વાહનમાં કુલ 23 મુસાફરો સવાર હતા. જોકે, મૃત્યુઆંક અને ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. બિનસત્તાવાર અહેવાલો અનુસાર, ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને શંકા છે કે જાનહાનિ થઈ છે, જોકે મૃત્યુ અને ઇજાઓની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ થવાની બાકી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અત્યારે અમારી પાસે ચોક્કસ વિગતો નથી. વાહન સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગયું છે. બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી છે. દેખીતી રીતે, વાહન તીવ્ર વળાંક લઈ શકવામાં નિષ્ફળ રહ્યું હતું.