દિલ્હીમાં વરસાદ સાથે મોસમની પ્રથમ ઠંડીનું આગમન: તાપમાન 3 ડિગ્રી સુધી નીચું જશે
રવિવાર સાંજેં દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શહેરના કેટલાક ભાગોમાં વધુ વરસાદ પડી શકે છે. આજે પશ્ચિમ દિલ્હી, ઉત્તર દિલ્હીના બાહ્ય વિસ્તારો અને ગુરુગ્રામમાં વરસાદ પડયો હતો.
દિલ્હી-એનસીઆરમાં રવિવાર સાંજે વરસાદ પડવાથી હવામાન બદલાઇ ગયું હતું. હવામાન વિભાગે દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં ઠંડી વધવાની શક્યતા દર્શાવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી દિલ્હીમાં શીતલહેરની શરૂૂઆત થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના લોકોને ખાસ સર્તક રહેવાની જરૂૂર છે. આ વિસ્તારોમાં કડકડતી ઠંડીની સાથે ધુમ્મ્મસની અસર જોવા મળશે.
દિલ્હીમાં વરસાદ પડવાને કારણે ઠંડી વધી ગઇ છે. દિલ્હીનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. 10 ડિસેમ્બર પછી લઘુતમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે.
હરિયાણાના હિસારમાં લઘુતમ તાપમાન 4.7 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. આ દરમિયાન હિમાચલ પ્રદેશના શિમલામાં સિઝનની પ્રથમ બરફ વર્ષા થઇ હતી. શિમલામાં લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મનાલીમાં 0.2 ડિગ્રી, કુફરીમાં 0.4 ડિગ્રી, સોલનમાં 0.5 ડિગ્રી, ઉનામાં 1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં પણ તાપમાન શૂન્યથી નીચે નોંધવામાં આવ્યું હતું. શૂન્યથી નીચે તાપમાન જતું રહેતા પાણીની પાઇપ બરફથી થીજી ગઇ હતી. શ્રીનગરમાં આજે લઘુતમ તાપમાન માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઝોજીલા માઇનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.