મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 6ના મોત. 100 વધુ ઘાયલ, જુઓ વિડીયો
મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં 6 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. 100 થી વધુ લોકો ઘાયલ છે. ફેક્ટરીની આસપાસના રસ્તા પર કેટલાક મૃતદેહો પણ પડેલા જોવા મળ્યા હતા. પ્રશાસને 25થી વધુ ઘાયલ લોકોને હરદા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
આ ફટાકડાની ફેક્ટરી મગરધા રોડ પર બૈરાગઢ ગામમાં છે. આ બ્લાસ્ટ આજે સવારે 11 વાગ્યાની આસપાસ થયો હતો. બ્લાસ્ટની અસરને કારણે વાહન સહિત અનેક રાહદારીઓ દૂર પટકાયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આખા શહેરમાં સંભળાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાય છે. હજુ પણ ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે.
मध्य प्रदेश के हरदा में पटाखा फैक्ट्री में विस्फोट 5 की मौत #MadhyaPradesh #blast pic.twitter.com/jAxph1jDEv
— Vikas Bailwal (@VikasBailwal4) February 6, 2024
માહિતી અનુસાર મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે ઈમરજન્સી બેઠક યોજી હતી. જેના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં મદદ કરવા બોલાવાઈ હતી. બીજી બાજુ ભોપાલમાં હોસ્પિટલોમાં બર્ન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.
ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને જેમ તેમ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના પછી જ લોકોના રેસ્ક્યૂની કાર્યવાહી શરૂ થઇ શકશે. આગની જ્વાળાઓ પર કાબૂ મેળવવામાં એટલા માટે પણ વિલંબ થઈ રહ્યો છે કેમ કે ત્યાં ફટાકડાંનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે. જેના લીધે આગ વધુને વધુ ભડકી રહી છે. સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે.
માહિતી મળી છે કે ફેક્ટરીની આસપાસ બનેલા મકાનોમાં ગનપાઉડર રાખવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ 60 ઘરોમાં આગ લાગી હતી. સાવચેતીના ભાગરૂપે 100થી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. હરદાની આસપાસના 7 જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી.