અર્થતંત્રને મજબૂતી સાથે લોકોને રાહત આપતું બજેટ પેશ કરતાં નાણામંત્રી
વડાપ્રધાને ગઇકાલે સંકેત આપ્યો હતો તે મુજબ ગરીબ-મધ્યમ વર્ગ માટે શ્રેણીબદ્ધ જાહેરાતો, અનેક નવી યોજનાઓની જાહેરાત: કૃષિ ક્ષેત્ર તથા ખેડૂતોને પગભર બનાવવા ક્રાંતિકારી નિર્ણયો: જંકફૂડ ઝપટે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને આજે તેમનું 8મું બજેટ રજુ કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે માં લક્ષ્મીની કૃપા ગરીબ અને મધ્યમ વર્ગ પર વરસ્તી રહે તેવો આશાભાવ વ્યકત કર્યો હતો. તે મુજબ બજેટમા અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રો તથા સામાજીક, આર્થિક રીતે કચડાયેલા વર્ગો માટે રાહતની જાહેરાત કરવામા આવી છે.
બજેટનું ફોકસ મુખ્યત્વે મેન્યુફેકચરીંગ સેકટરમા ઉત્પાદન વધારવા તથા કૃષિ ક્ષેત્ર અને ખેડુતોને આર્થિક રીતે વધુ મજબુત બનાવવા શ્રેણીબધ્ધ પગલાઓની જાહેરાત કરવામા આવી છે. લાંબા સમયથી જેની વાટ જોવાઇ રહી હતી તેવા આવક વેરા કાયદામા ધરખમ સુધારાઓ જાહેર કરાયા છે. એ સાથે ટેકસ સ્લેબમા ફેરફાર કરી મધ્યમ વર્ગ તથા પગારદાર લોકો પરનો કરબોજ હળવો કરાયો છે.
નાણા પ્રધાને વિકાસની ગતિને વેગ આપવા સરકારી ખર્ચ વધારવા જાહેરાત કરી છે. એવી જ રીતે રસ્તા તથા રેલવે સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચર પર વધુ ખર્ચ કરવાની જાહેરાત કરવામા આવી છે. બજેટમા મહિલાઓનો ખાસ ખ્યાલ રાખવામા આવ્યો છે અને તેમના માટે એક કલ્યાણકારી યોજનાની જાહેરાત થઇ છે. જેનાથી તેમને રોજગારી ઉપરાંત નિમીત આવક મળી રહેશે.
ગઇકાલના આર્થિક સર્વેક્ષણ પરથી જે છાપ ઉભી થઇ હતી તે મુજબ નિકાસને વેગ આપવા પ્રોત્સાહક પગલાઓની જાહેરાત કરાઇ છે. એવી જ રીતે આયાત પર નિયંત્રણ માટે કેટલીક ચીજ વસ્તુઓ પરની ડયુટી વધારવામા આવી છે. 2047 સુધીમા વિકસીત ભારતના સંકલ્પને અનુરૂપ કેટલીય પ્રોત્સાહક સ્કીમો જાહેર કરાઇ છે જેથી ઉત્પાદનને વેગ મળે.
કૃષિ ક્ષેત્રે પણ ટેકાના લઘુતમ ભાવ નિર્ધારીત કરવા એક કાનુની માળખુ બનાવવા જાહેરાત કરવામા આવી છે. મુડી બજારને વેગ આપવા પણ કેટલીક છુટછાટો અને પ્રોત્સાહનો આપવાના ભાગ રૂપે ટુંકા અને લાંબા ગાળાના મુડી લાભ સબંધી કરવેરામા ફેરફાર કરવામા આવ્યા છે.
લોકોના ખાસ કરીને બાળકોના આરોગ્યને ધ્યાનમા રાખીને ગઇકાલના આર્થિક સર્વેમા કામકાજના કલાકો તથા આરોગ્યલક્ષી મુદાનો ઉલ્લેખ કરાયો હતો. તે મુજબ જંકફુડની આઇટમો પર વેરા વધારવાની જાહેરાત થઇ છે.
સીતારામન રાષ્ટ્રપતિને મળ્યા, બજેટ માટે મંજૂરી મેળવી
સંસદમા કેન્દ્રીય બજેટ રજુ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામન સવારે રાષ્ટ્રપતિ ભવનમા દ્રોપદી મુર્મુને મળ્યા હતા અને બજેટની મંજુરી મેળવી હતી. બિહારના પદ્મશ્રી એવોર્ડ વિજેતાએ ભેટ આપેલી સફેદ સાડીમા સજજ નાણા પ્રધાને વહી ખાતા સ્લીવમા ટેબલેટ સાથે નાણા મંત્રાલય બહાર પોઝ આપ્યો હતો.
નાણામંત્રીની સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું
બજેટના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામનની આઇકોનીક સાડીઓ હંમેશા હેડલાઇન્સમા રહે છે. આજે તેમણે સોનેરી બોર્ડર અને એક જટિલ મધુબની પેઇન્ટીંગવાળી સફેદ કસવુ સાડી પસંદ કરી હતી. એ સાથે તેમણે લાલ બ્લાઉઝ અને સાલ ઓઢી હતી. તેમની સાડીમા તેમના હેન્ડલુમ પ્રત્યેના પ્રેમનુ દર્શન જોવા મળ્યુ હતુ. આ સાડી વંચિત સમાજના દુલારી દેવીએ તેમને ભેટ આપી હતી. દુલારી દેવીને 2021મા પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.