બિહારના 7.89 કરોડ મતદારોમાંથી બાવન લાખના નામ હટશે: ચૂંટણી પંચ
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ બિહારમાં ચાલી રહેલી મતદાર વિશેષ સઘન સંશોધન (SIR) પ્રક્રિયા હેઠળ નવા આંકડા જાહેર કર્યા છે. આ મુજબ, ઑગસ્ટ 1, 2025 ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 52 લાખથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવશે. આમાં 18 લાખથી વધુ મૃત મતદારો, 26 લાખથી વધુ સ્થળાંતરિત મતદારો, 7.5 લાખથી વધુ બહુવિધ નોંધણી ધરાવતા મતદારો અને 11,000 થી વધુ અજાણ્યા ઠેકાણાવાળા મતદારોનો સમાવેશ થાય છે. આ આંકડો રાજ્યના કુલ મતદારોના 6.62% જેટલો છે. ચૂંટણી પંચ, રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો (BLA) સાથે મળીને માહિતી એકત્રિત કરી રહ્યું છે, જેના આધારે અંતિમ નિર્ણય લેવાશે.
આ કુલ સંખ્યા બિહારના કુલ મતદારો (7,89,69,844) ના 6.62% જેટલી થાય છે, જે મતદાર યાદીની શુદ્ધતા માટે એક મોટો આંકડો છે. ચૂંટણી પંચે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં 7,16,04,102 મતગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે, જે કુલ મતદારોના 90.67% જેટલા છે. આમાંથી 90.37% એટલે કે 7,13,65,460 ફોર્મ ડિજિટાઇઝ્ડ કરવામાં આવ્યા છે.જોકે, હજુ પણ 2.70% એટલે કે 21,35,616 મતદારો એવા છે જેમણે મતગણતરી ફોર્મ ભર્યું નથી. ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત બૂથ લેવલ ઓફિસરો (ઇકઘ) રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ લેવલ એજન્ટો (BLA) સાથે મળીને આ બાકી રહેલા મતદારોની માહિતી એકત્રિત કરી રહ્યા છે.રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત BLAના અહેવાલના આધારે, ચૂંટણી પંચ અંતિમ નિર્ણય લેશે કે કયા મતદારોના નામ ઑગસ્ટ 1, 2025 ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે કે નહીં.