પંજાબમાં ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત
આજે (૭ જુલાઈ) સવારે પંજાબના હોશિયારપુર જિલ્લામાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ૧૨ થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.
હોશિયારપુરના દસુહા-હાજીપુર રોડ નજીક આ અકસ્માત થયો હતો. સાગરા બસ સ્ટેન્ડ પાસે મુસાફરોથી ભરેલી બસ કાબુ બહાર જઈને પલટી ગઈ હતી. પોલીસ, વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોએ સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી અને તેની નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તે એક મીની બસ હતી, જે ખાનગી કંપની કરતાર બસની હોવાનું કહેવાય છે. હાલમાં, અકસ્માતનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ પોલીસ તપાસમાં લાગી છે.
આ અકસ્માત ડ્રાઇવરની ભૂલને કારણે થયો છે કે બસમાં ટેકનિકલ ખામી હતી કે પછી રસ્તા પર અન્ય કોઈ કારણોસર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો તે હજુ સુધી પુષ્ટિ થઈ નથી. હાલમાં, પોલીસ ટીમ પ્રાથમિકતાના આધારે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જઈ રહી છે અને મૃતકોના સંબંધીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.