ખેડૂતોની દિલ્હી તરફ કૂચ: હરિયાણાની શંભુ બોર્ડર પર પોલીસે ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડ્યા, અફરાતફરીનો માહોલ
પંજાબથી દિલ્હી સુધી ખેડૂતોની કૂચ શરૂ થઈ ગઈ છે. આજે ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને કારણે તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. સરકારે આંદોલન પર અડગ રહેલા ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ 5 કલાકથી વધુ ચાલેલી બેઠક અનિર્ણિત રહી હતી. તે પછી, ખેડૂત નેતાઓએ સર્વત્ર યુદ્ધની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ દિલ્હી સુધી કૂચ કરશે. વિવિધ માંગણી સાથે દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો છે. શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને વિખરાઈ જવા પોલીસે વારંવાર અપીલ કરી હતી. પરંતુ પોલીસની અપીલને ના ગણકારીને ખેડૂતો મોટી સંખ્યામાં શંભુ બોર્ડર પર એકઠા થયા હતા. ખેડૂતોની દિલ્હી કૂચને અટકાવવા માટે પોલીસે બેરીકેડ મુક્યા હતા પરંતુ તેની કોઈ અસર વર્તાઈ નહોતી. આથી પોલીસે આખરે ટીયર ગેસના સેલ છોડીને એકઠા થયેલા ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
એવી પણ માહિતી મળી હતી કે શંભુ બોર્ડર પર પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ખેડૂતો નથી. ખેડૂતોની આડમાં કેટલાક તોફાની તત્વો ભીડમાં ઘુસી ગયા છે અને વાતાવરણ બગાડી રહ્યા છે. જો કે હાલ શંભુ બોર્ડર પર સ્થિતિ તંગ છે.
હિલચાલને જોતા દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢની સરહદો સીલ કરી દેવામાં આવી છે. હરિયાણાના 7 અને રાજસ્થાનના 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છે. 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હરિયાણાની સિંઘુ-ટીકરી બોર્ડર અને દિલ્હી અને યુપીની ગાઝીપુર બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ કડક બેરિકેડિંગ છે. અહીં એક મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. ભીડ એકઠી કરવા અને ટ્રેક્ટરના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.