ખેડૂતોનું દળકટક દિલ્હી ભણી, અથડામણની આશંકા
- વાટાઘાટો નિષ્ફળ રહેતાં ખેડૂત નેતાની ચેતવણી, કયાંક એવું ન બને કે અમે ધૈર્ય ખોઇ બેસીએ
- હરિયાણામાં બુલડોઝર જપ્ત કરવા આદેશ: દિલ્હીની તમામ બોર્ડર સીલ, હરિયાણામાં ઇન્ટરનેટ બંધ
સરકાર સાથે ચોથા રાઉન્ડની વાતચીત પછી ખેડુત સંગઠનોએ આજે ફરી દિલ્હી ચલો કુચ શરૂ કરવા જાહેરાત કરી છે. જો કે પંજાબ- હરિયાણા હાઇકોર્ટ ખેડૂતોને ટ્રેકટર- ટ્રોલી અને બુલડોઝર દ્વારા મુસાફરી નહીં કરવા જણાવતા પોલીસે આંદોલનકારીઓને આવા વાહનો હટાવી દેવા જણાવ્યું છે. બીજી બાજુ ખેડૂત નેતા જગજીતસિંહ ડડેવાલે હિંસાની આડકતરી ધમકી આપતા જણાવ્યું હતું કે એનડીએ સરકાર પાસે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા મંજુરી આપવાનો અથવા એમઅસેસપીની માગણી સ્વીકારવાનો બીજો વિકલ્પ છે. તેમણે જણાવ્યું હતું કે કયાંક એવું ન બને કે ખેડૂતો ધૈર્ય ગુમાવે. આજે સવારે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે દેશ કોઇ દુખદ તસવીર જોવે તેવુંં અમે ઇચ્છતા નથી.
અન્ય ખેડુત નેતા પંઢેરે જણાવ્યું કે અમને જયારે પણ આમંત્રણ મળ્યું ત્યારે મંત્રણામાં ભાગ લીધો. અમે હાથ જોડી કહ્યું કે તમે અમારી સાથે બેસી અમારી સમસ્યાઓ ઉકેલો, મંત્રણાઓ થઇ ચુકી છે હવે નિર્ણય લેવાનો સમય છે.
બીજી તરફ, સિંઘુ બોર્ડરથી શંભુ બોર્ડર સુધી ખેડૂતોને રોકવા માટે સરકારે કડક વ્યવસ્થા કરી છે. હરિયાણાના 7 જિલ્લામાં ઈન્ટરનેટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. અગાઉ, દિલ્હી ચલો કૂચ હેઠળ, ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
ખેડૂતો હજુ પણ રાજધાની દિલ્હીથી 200 કિમીથી વધુ દૂર છે. દિલ્હીથી શંભુ બોર્ડર સુધી ખેડૂતોને આગળ વધતા રોકવા માટે સરકારે ઘણી કડક વ્યવસ્થા કરી છે. દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડર પર ફરી એકવાર નાકાબંધી મજબૂત કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે જો જરૂૂર પડી તો ગાઝીપુર બોર્ડર પણ બંધ કરી શકાય છે.
દિલ્હી પોલીસે 30,000 ટીયર ગેસના શેલ એકઠા કર્યા છે. ટિકરી બોર્ડરને પણ ભારે પોલીસ જવાનોની તૈનાત અને કોંક્રીટ બેરીકેટ્સના અનેક સ્તરો અને લોખંડની ખીલીઓ સાથે સીલ કરી દેવામાં આવી છે.
ગાઝીપુર, ટિકરી, નોઈડા અને સિંઘુ સહિતની મુખ્ય બોર્ડર ક્રોસિંગને સંપૂર્ણપણે સીલ કરીને, દિલ્હીની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર એક મહિનાનો પ્રતિબંધ પણ લગાવી દીધો છે.
ખેડૂતોએ કહ્યું છે કે તેમની પદયાત્રા શાંતિપૂર્ણ રહેશે. મીડિયા સાથે વાત કરતા એક ખેડૂતે કહ્યું, અમે સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે અમારી સામે બળનો ઉપયોગ ન કરે અને અમે શાંતિથી આગળ વધીશું.હરિયાણા પોલીસે મંગળવારે પંજાબ પોલીસને ખેડૂતો પાસેથી નજીકના બુલડોઝર જપ્ત કરવા જણાવ્યું હતું. હરિયાણાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) શત્રુજીત કપૂરે પંજાબ પોલીસને પંજાબ ડીજીપી ગૌરવ યાદવને લખેલા તાકીદના પત્રમાં આ વાત કહી.
177 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાશે
MSPસહિત અનેક મુદ્દાઓ પર ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હીની સરહદો પર ઉભા છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે મંગળવારે જણાવ્યું હતું કે કેન્દ્રએ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કાયદો લાવવા માટે સંસદનું એક દિવસનું સત્ર બોલાવવું જોઈએ. દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ખેડૂતોના વિરોધ સાથે સંબંધિત લગભગ 177 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબ લિંક્સને અસ્થાયી રૂૂપે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આઈટી એક્ટની કલમ 69અ હેઠળ ગૃહ મંત્રાલયની વિનંતી પર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા 14 અને 19 ફેબ્રુઆરીએ આદેશ જારી કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયની વિનંતી પર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 177 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબ લિંક્સને અસ્થાયી રૂૂપે બ્લોક કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.