ખેડૂતોની માગણીઓ છેક અવાસ્તવિક નથી, મોદી સરકાર વચલો રસ્તો કાઢે
લાંબા સમયની શાંતિ પછી ખેડૂત સંગઠનો ફરી મેદાનમાં આવ્યાં છે અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સહિતના મુદ્દે દિલ્હી કૂચનું એલાન કરીને દિલ્હી સરહદે ધામા નાંખ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અને મજૂર સંઘ સહિતનાં સંગઠનોએ શુક્રવારે ભારત બંધનું એલાન પણ આપેલું. આંદોલન કરી રહેલાં ખેડૂત સંગઠનોનો પ્રભાવ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો પૂરતો મર્યાદિત છે તેથી એ સિવાય બંધની કોઈ અસર વર્તાઈ નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં પશ્ર્ચિમ ભારતનાં રાજ્યોમાં તો ભારત બંધનું એલાન છે તેની પણ લોકોને ખબર નહોતી.
મોદી સરકારે આંદોલને ચડેલા ખેડૂતોને મનાવવા માટેની મથામણ શરૂૂ કરી છે. તેના ભાગરૂૂપે દિલ્હી કૂચ શરૂૂ થઈ એ પહેલાં ખેડૂત આગેવાનો સાથે કેન્દ્રીય પ્રધાનોએ મંત્રણા કરેલી. એ મંત્રણામાં કશું ના થયું એટલે ખેડૂતોએ દિલ્હી કૂચ કરીને દિલ્હી સરહદે અડિંગા જમાવી દીધા. સરકાર હજુય ખેડૂતોને મનાવવા મથી રહી છે અને તેના ભાગરૂૂપે ગુરુવારે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો વચ્ચે વાતચીતનો વધુ એક રાઉન્ડ થઈ ગયો પણ એમાં કાંઈ ઉકેલ આવ્યો નથી.
જો કે ખેડૂત આગેવાનો અને સરકાર બંનેએ વાતચીત પર પૂર્ણવિરામ મૂક્યું નથી. બંને ફરી વાત કરવા સંમત થયાં છે અને હવે રવિવારે ફરી બેઠક મળશે. ત્યાં સુધીમાં પ્રધાનોએ મોદીને ખેડૂતોની માગણીઓ શું છે ને ખેડૂતો કઈ રીતે માની જશે એ અંગેનો પોતાનો રિપોર્ટ આપશે. તેના આધારે કેન્દ્ર સરકાર પણ કોઈ ને કોઈ નિર્ણય લઈ લેશે તેથી રવિવારની બેઠક ફળદાયી નીવડે એવી આશા રાખી શકાય. મોદી સરકાર હવે શું નિર્ણય લેશે એ ખબર નથી પણ મોદી સરકાર ખેડૂતોની માગણીઓ અંગે હકારાત્મક પગલાં ભરે એ જરૂૂરી છે કિસાન મોરચાએ જે છ માગણી મૂકી હતી તેમાં મુખ્ય માગ લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ-એમએસપી)ને કાયદેસરતા આપીને તેના માટે કાયદો બનાવવાની હતી.ખેડૂતો સાચા છે તેમાં બેમત નથી એ જોતાં મોદી સરકારે તેમની માગણીઓ સંતોષવી જોઈએ. મોદી સરકારની આ નૈતિક ફરજ છે ને આપણા દેશની સરકાર નૈતિક ફરજ ચૂકે તો એ શરમજનક કહેવાય.