હત્યા કરાયેલા રાયબરેલીના વાલ્મિકીના પરિવારનો રાહુલને મળવા ઇનકાર
સરકારે અમને સહાય કરી છે, રાજનીતિ કરવા કોઇ નેતા ન આવે
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના ફતેહપુર પહોંચ્યા. તેઓ રાયબરેલીમાં દલિત યુવાન હરિઓમ વાલ્મિકીની હત્યાના ભોગ બનેલા પરિવારને મળવા માટે અહીંથી પ્રવાસ કર્યો. જોકે, હરિઓમના પરિવારે રાહુલ ગાંધીને મળવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. પરિવારે જણાવ્યું કે તેઓ સરકારથી સંતુષ્ટ છે અને કોઈ રાજકીય સંડોવણી ઇચ્છતા નથી. 2 ઓક્ટોબરના રોજ રાયબરેલીમાં દલિત યુવાન હરિઓમ વાલ્મીકીની માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ, રાજ્ય સરકારે કાર્યવાહી કરી, આરોપીઓની ધરપકડ કરી અને પીડિત પરિવારને આર્થિક સહાય પૂરી પાડી.
હવે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે હરિઓમના નાના ભાઈ શિવમ વાલ્મીકીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધી કે અન્ય કોઈ રાજકીય પક્ષના નેતાને નહીં મળે.
શિવમે કહ્યું, રાયબરેલીમાં મારા ભાઈની હત્યા કરવામાં આવી હતી. બે કેબિનેટ મંત્રીઓ મારા ઘરે આવ્યા હતા. તેમણે આર્થિક સહાય પૂરી પાડી અને અમારા પરિવારને સરકારી નોકરીઓ આપવામાં આવી. હું સરકારથી સંતુષ્ટ છું. રાહુલ ગાંધી કે અન્ય કોઈ પક્ષના નેતાએ રાજકારણ રમવા માટે મારા ઘરે ન આવવું જોઈએ.