તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 10 મજૂરોનાં મોત, અનેક ઘાયલ
તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 10 શ્રમિકના મોતની આશંકા છે. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. તેમજ અંદાજે 15-20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હજુ પણ ઘણા લોકો ફેકટરીમાં ફસાયેલા છે, જેથી મૃતકોની સંખ્યા વધી શકે તેવો પણ અંદાજ છે.
વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. આ અકસ્માત આજે સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આખી શિફ્ટમાં 150 લોકો હતા. જે બ્લોકમાં અકસ્માત થયો ત્યાં 90 લોકો હતા.
https://x.com/PTI_News/status/1939571433258324296
ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ૧૦૮ એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ટોંચેરુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલોને હૈદરાબાદ રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ હતી. કામદારો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ૫ કામદારો જીવતા બળી ગયા છે, જોકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ફેક્ટરી અને આસપાસના વિસ્તારને ખાલી કરાવવાનું શરૂ કર્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ કંપની દવાઓના ઉત્પાદનમાં વપરાતો પાવડર તૈયાર કરે છે. વિવિધ રાજ્યોના ૧૦૦ થી વધુ કામદારો અહીં કામ કરે છે. અકસ્માતના સમાચાર મળતા જ કામદારોના સંબંધીઓ ફેક્ટરીની બહાર ભેગા થઈ ગયા હતા. વહીવટીતંત્રે લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવાની સલાહ આપી છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.