હરિયાણા-કાશ્મીરના એક્ઝિટ પોલે ભાજપની ઊંધ ઉડાડી
હરિયાણામાં તમામ 90 બેઠકો માટે મતદાન પૂરું થયું એ સાથે જ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં એક્ઝિટ પોલ આવી ગયા. જમ્મુ અને કાશ્મીર તથા હરિયાણા એ બંને વિધાનસભા ચૂંટણીની 90-90 બેઠકના ચૂંટણી પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે પણ એ પહેલાં આવેલા આ એક્ઝિટ પોલ ભાજપ માટે બહુ આશાસ્પદ નથી કેમ કે મોટા ભાગના એક્ઝિટ પોલ હરિયાણામાં કોંગ્રેસની સરકાર રચાવાની આગાહી કરી રહ્યા છે. કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચશે એવો એક્ઝિટ પોલનો વરતારો છે. હરિયાણામાં કોંગ્રેસની સરકાર આવશે ને દસ વર્ષથી જામેલા ભાજપને લોકો ઘરભેગો કરી દેશે એવી હવા જામેલી જ છે.
આ એક્ઝિટ પોલ એ હવાને અનુરૂૂપ છે. જમ્મુ અને કાશ્મીરનાં પરિણામો વિશે સ્પષ્ટતા નથી. કેટલાક એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી રહ્યા છે જ્યારે કેટલાક પોલ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવી આગાહી કરી રહ્યા છે. ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવા દાવા જોરશોરથી થતા હતા પણ કોઈ એક્ઝિટ પોલમાં ભાજપને 35 કરતાં વધારે બેઠકો અપાઈ નથી એ જોતાં સ્પષ્ટ બહુમતીમાં ભાજપનો પનો ટૂંકો પડી જશે એવું કમ સે કમ એક્ઝિટ પોલ પરથી તો લાગે છે.
આ એક્ઝિટ પોલના કારણે ભાજપ માટે અવઢવની સ્થિતિ સર્જાઈ છે જ્યારે કોંગ્રેસ માટે ઉત્સાજનક માહોલ છે કેમ કે મોટા ભાગના એક્ઝિટ પોલ હરિયાણામાં કોંગ્રેસની જીતનો અણસાર આપી રહ્યા છે. હરિયાણામાં અમુક એક્ઝિટ પોલમાં ભાજપ આગળ રહેશે એવી આગાહી કરાઈ છે પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે એવું કોઈ કહેતું નથી. બીજી તરફ મતદારો ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકશે અને કોંગ્રેસ સરકાર બનાવશે એવું સંખ્યાબંધ પોલ કહે છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે એવી આગાહી કરાઈ છે પણ જમ્મુ અને કાશ્મીરમાં ચિત્ર થોડું મૂંઝવનારું છે.
વાસ્તવિક ચિત્ર શું છે તેની ખબર તો જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ઓક્ટોબર જાહેર થાય ત્યારે જ પડશે પણ ધારણાઓ પર આધારિત એક્ઝિટ પોલ સ્પષ્ટ રીતે કોને બહુમતી મળશે તેનો સંકેત નથી આપી રહ્યા. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં જ્યારે મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી અને ભાજપે એકલા હાથે ચૂંટણી લડી હતી. બીજી નાના નાના પક્ષો પણ મેદાનમાં હતા. મોટા ભાગનાં એક્ઝિટ પોલ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જોડાણને સૌથી વધારે બેઠકોની આગાહી કરે છે પણ કોની સરકાર રચાશે એ ખોંખારીને કહેતા નથી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં એક્ઝિટ પોલ ભાજપની તરફેણમાં નથી એ સ્વીકારવું પડે. એક્ઝિટ પોલ ખોટા પડવા માટે જાણીતા છે એ જોતાં ભાજપ અત્યારે તો એ ઈતિહાસ દોહરાવાની આશા રાખી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ એક્ઝિટ પોલ સાચા પડે એવી આગાહી કરી રહી હશે. એક્ઝિટ પોલ સાચા પડે તો ભાજપને મોટો ફટકો પડશે ને તેની ચર્ચા એ વખતે કરીશું.