મુંબઇ આવતા હળવા વાહનોને ટોલ ટેકસમાંથી મુક્તિ, છેલ્લી કેબિનેટમાં નિર્ણય
બાબા સિદ્દિકીના નિધન પર શોક ઠરાવ પસાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. આ નિયમ આજ રાતથી અમલમાં આવશે.
રાજ્ય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજાઈ હતી, એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર વિધાનસભા પહેલા શિંદે કેબિનેટની આ છેલ્લી બેઠક છે.
બેઠકમાં હળવા વાહન ચાલકોની તરફેણમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. આજે રાત્રે 12 વાગ્યા પછી વાશી, ઐરોલી, મુલુંડ, દહિસર અને આનંદનગર ટોલ પર હળવા વાહનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે નહીં.હળવા વાહનોમાં કાર, ટેક્સી, જીપ, વાન, નાની ટ્રક, ડિલિવરી વાન વગેરેનો સમાવેશ થાય છે. એકનાથ શિંદે કેબિનેટના આ નિર્ણયને વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને રીઝવવાના ઉપાય તરીકે જોવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
આજે મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટની બેઠક મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં સહ્યાદ્રી ગેસ્ટ હાઉસના મીટિંગ હોલમાં મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય પ્રધાનો હાજર હતા. રાજ્ય કેબિનેટે પૂર્વ રાજ્ય મંત્રી અને ગઈઙ નેતા બાબા સિદ્દીકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ અંગે શોક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.