કર્મચારીઓને ચૂકવાયેલી ગ્રેચ્યુઇટીની વધુ રકમની રિકવરી થઇ શકે નહીં: સુપ્રીમ કોર્ટ
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મળવાપાત્ર ન હોવા છતાંય ચૂકવાયેલી 8.32 કરોડની ગ્રેચ્યુઇટીનો મામલો
ભારતીય મજદુર સંઘ રાજકોટની યાદી જણાવે છે કે ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કાયદા અને નિયમોના ખોટા અર્થઘટન કરીને તેઓના કર્મચારીઓને મળવાપાત્ર ન હોય તેવી ગ્રેચ્યુટી કુલ રકમ રૂૂ 8.32 કરોડ ચુકવેલ હતી.
ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ-1972 માં ગ્રેચ્યુટીની રકમ 10 લાખથી વધારીને 20 લાખ તારીખ: 29/03/2018 ના ભારત સરકારના જાહેરનામાં થી કરવામા આવેલ છે. અને તેમા કોઈ પાછલી અસર આપવામાં આવેલ નથી આમ પી.જી.એકટમા તા: 28/03/2018 સુધી ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા રૂૂ.10 લાખ હતી તેમ છતાં બોર્ડ નર્મદા વિભાગ કે નાણા વિભાગની કોઇ મંજુરી ન હોવા છતા તા: 01/01/2016 થી તારીખ 28/02/2018 દરમ્યાન નિવૃત થયેલ, રાજીનામુ આપેલ કે અવશાન પામેલ 175 કર્મચારીઓને કાયદાનો ખોટો અર્થ કરીને રૂૂ.20 લાખ મુજબ ગ્રેચ્યુટી ચુકવીને સરકારના 8.32 કરોડ જેટલી રકમ ચુકવી આપેલ.
આ હકીકત બહાર આવ્યા બાદ પણ બોર્ડ પોતે ખોટા ન હતા તેમ સાબીત કરવા આ 8.32 કરોડની રકમ સંબંધિત 175 કર્મચારી/અધીકારીઓ પાસેથી વધુની રકમ વસુલ કરવા વકીલ રોકીને 175 કર્મચારીઓને નોટીસો આપેલ હતી. આવી નોટીસો આવતા કર્મચારીઓ સાથે મળી વસુલાત સામે મનાઇ હુકમ લેવા અને બોર્ડની વસુલાતની કાર્યવાહી રદ કરવાનો હુકમ લેવા ગુજરાત હાઇકોર્ટમા રીટ પિટિશન દાખલ કરેલ હતી.
આ કર્મચારીઓ દ્વારા દાખલ કરેલ રીટ પિટિશનની સુનવણી થઇ જતા ગુજરાત હાઇકોર્ટે આ ચુકવણુ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ ભારત સરકાર દ્વારા કરેલ જોગવાઇ અને ઠરાવો મુજબ કર્મચારીઓ દ્વારા બોર્ડને કોઇ ગેર-રસ્તે દોરતી કે હકિકત છુપાવતી કોઇ માંગણી કરેલ ન હોય, નિવૃતિના પાંચ વર્ષ બાદ વસુલાત કરવા નોટીસો આપેલ હોય, આવી વસુલાત કરી શકાય નહી તેવો કર્મચારીઓની તરફેણમાં ચુકાદો કરેલ હતો. ગુજરાત હાઇકોર્ટે આપેલ આ ચુકાદાને ડાબલ બેન્ચમાં દાદ માંગતા તે બેન્ચે સિંગલ બેન્ચના ચુકાદાને માન્ય કરેલ હતો.
ઉપરોક્ત બન્ને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ સામે આ બોર્ડ દ્વારા સુપ્રિમ કોર્ટમા એસ.એલ.પી. દાખલ કરેલ હતી. આ અરજીઓની પ્રાથમિક સુનવણી નિકળતા નામ.સુપ્રીમ કોર્ટ દ્વારા એડમિશન સ્ટેજમાં બોર્ડની રિટ પિટિશન દાખલ ન થવાને પાત્ર ઠરાવી રદ કરેલ હતી. આ બોર્ડ દ્વારા પોતાનીજ ભુલથી ચુકવેલ રકમની વસુલાત માટે કર્મચારીઓને નોટીસ આપવાથી, સુપ્રિમ કોર્ટ સુધી કેસો કરવા જે થઇ શકે તેમ નથી છતાં તેના માટે વકીલો રોકી બોર્ડે બીન જરૂૂરી અને ખોટા ખર્ચ કરેલ છે અને આ રીતે નિવૃત કર્મચારીઓને માનસીક તેમજ આર્થિક નુકશાન પહોંચાડેલ છે.
મુસાલાઇ જોબણ જણાવે છે કે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ બાદ આ 8.32 કરોડની રકમ હવે વસુલાત થઇ શકે તેમ નથી.જે માટે આ પ્રકરણ વિજીલન્સ કમિશનને સોંપી જવાબદારો સામે કાયદેસરની તપાસ કરીને આ ચુકવણાનો નિર્ણય લેનાર તથા આ કેસમા બીન જરુરી કોર્ટ કેસો કર્તા તમામ જવાબદાર સામે કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવી જોઇએ. તેમજ વધુમાં જણાવેલ છે કે ઉપરોક્ત ચુકવણું માત્રને માત્ર કર્મચારી/ અધીકારીઓની ભુલ અને બેદરકારીના કારણે જ થવા પામેલ છે. જેથી આવી આર્થિક નુકશાની સરકાર ને થયેલ છે આથી લાગતા વળગતા અધીકારીઓ પાસેથી વસુલ કરવા માંગણી કરેલ છે.
ગ્રેચ્યુઇટીના વ્યાજની રકમ મળતી નથી
કર્મચારીઓને કાયદેસરની કાયદા મુજબની ગ્રેચ્યુટીના વ્યાજની રકમ ચુકવવામાં આવતી નથી અને ગ્રેચ્યુટીની રકમ પેન્શન નિયમો-2002 બોર્ડને લાગુ પડતા ન હોવા છતાં આ નિયમો હેઠળ ગેરકાયદેસર ગ્રેચ્યુટીની રકમ બે વર્ષ રોકી રાખવામા આવે છે તેથી કર્મચારીઓ દ્વારા બોર્ડ સામે કોર્ટ કેસ કરવામા આવેલ છે. નામ. હાઇકોર્ટના ચુકાદાઓ પછી પણ વકીલો પાછળ ખોટા ખર્ચ અને કેસો ઇરાદાપુર્વક કરવામા આવે છે, આવા લગભગ તમામ કેસોમા કર્મચારીની તરફેણમાં જ ચુકાદાઓ આવેલ છે તેમ છતાં આ બોર્ડ દ્વારા વકીલોને લાખો રુપીયા ચુકવેલ છે તે વ્યાજબી નથી.