ઈલેક્ટોરલ બોન્ડની સચ્ચાઇ બહાર આવે તો પણ મતદારોની જાગૃતિ જરૂરી
ભારતમાં સરકારી તંત્ર એકદમ નીંભર છે અને રાજકારણીઓ પારદર્શકતાની મોટી મોટી વાતો કરે છે પણ તેમને લોકોને સાચી વાત જણાવવામાં રસ જ નથી હોતો. આ વાત વારંવાર સાબિત થઈ છે અને સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવા કરેલા ફરમાનના કેસમાં ફરી એક વાર સાચી સાબિત થઈ. સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ઈલેક્ટોરલ બોન્ડ અંગેની માહિતી આપવા ફરમાન કર્યું ત્યારે પહેલાં તો તેણે ગલ્લાંતલ્લાં કરેલાં ને વધારે સમય માંગેલો પણ સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં જખ મારીને માહિતી આપવી પડી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેન્કે 13 માર્ચે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપી હતી ને ચૂંટણી પંચે 14 માર્ચે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની માહિતી પ્રકાશિત કરી છે. સાડા સાતસો કરતાં વધારે પેજની બે ફાઈલો છે પણ મજાની વાત એ છે કે, જે માહિતી બહાર પાડવી જોઈએ એ માહિતી જ તેમાં નથી. એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની માહિતી છે અને બીજી ફાઇલમાં આ બોન્ડ્સ વટાવીને રોકડી કરનાર રાજકીય પાર્ટીઓની માહિતી છે. તેના કારણે કોણે ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા અને કોણે રોકડી કરી એ તો ખબર પડે છે પણ કોણે ખરીદેલા બોન્ડ્સ ક્યા રાજકીય પક્ષે વટાવ્યા તેની તો માહિતી જ નથી.
જો કે સર્વોચ્ચ અદાલતે ગઇકાલે એસબીઆઇને બોન્ડના દરેક નંબર જાહેર કરવા નોટીસ આપી એ પછી બધી વિગતો બહાર આવશે. તેમ છતાં અમુક સવાલો રહેશે જ. ઉદાહરણ તરીકે ફ્યુચર ગેમિંગ નામની કંપની ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં ટોપ પર છે. આ કપનીએ 1400 કરોડ રૂૂપિયાથી વધારેના બોન્ડ્સ ખરીદ્યા હતા પણ આ બોન્ડ ક્યા પક્ષને આપ્યા ને ક્યા પક્ષે કેટલાની રોકડી કરી તેની વિગતો જ નથી મૂકાયેલી. ક્યા રાજકીય પક્ષ કોની પાસેથી કેટલું દાન લીધું એ મુદ્દો જ ઈલેક્ટોરલ બોન્ડની આખી પારાયણમાં મહત્ત્વનો છે પણ તેનો જ જવાબ મળતો નથી. આ મુદ્દે રાજકીય પક્ષોની ચૂપકીદી એ વાતનો પુરાવો છે કે, આપણા રાજકીય પક્ષો એકદમ બેશરમ છે ને તેમને પારદર્શકતા બતાવવામાં રસ નથી. તેમણે ઈલેક્ટોરલ બોન્ડના નામે હરામની કમાણીનાં નાણાં લીધા છે એ વિગતો તેઓ ખુદ કેમ જાહેર નથી કરતા? ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ઠેરવીને સુપ્રીમ કોર્ટે બંધારણની રક્ષા માટે બતાવેલી સજાગતા સલામને પાત્ર છે પણ આ સજાગતાનો કમ સે કમ અત્યારે તો અર્થ નથી. સૌથી મોટી વાત એ છે કે મતદારો જાગૃત અને સાચા-ખોટાનો ભેદ પારખવામાં પાકટ, વિવેકપૂર્ણ ન થાય ત્યાં સુધી સર્વોચ્ચઅદાલત ગમે તેટલા પ્રયાસ કરે, રાજકીય પક્ષો મનમાની કરવાના જ.