ચૂંટણી બોન્ડના દાતા-લાભાર્થીની સચ્ચાઇ બહાર આવે તો પણ જનતા સજાગ રહે તે જરૂરી
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ઠરાવી દઈને સોપો પાડી દીધો ત્યારે કમ સે કમ આ દેશનું હિત વિચારનારાં લોકોને તો આનંદ થયેલો જ. એ લોકોને લાગતું હતું કે, રાજકારણીઓએ ભ્રષ્ટાચારને કાયદેસરતા આપવા બનાવેલી આ સિસ્ટમને ગેરબંધારણીય ઠેરવીને દેશની બહુ સેવા કરી છે. સાથે સાથે ઈલેક્ટોરલ બોન્ડના નામે ચલાવાયેલા કાયદેસરના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટશે અને આપણા રાજકારણીઓનો અસલી ચહેરો લોકો સામે ઉઘાડો પડશે એવી આશા જાગેલી.
જો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના 10 દિવસ પછી પણ આ આશા આશા જ છે, હજુ ફળી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ ઈલેક્ટોરલ બોન્ડને લગતી વિગતો આપવામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જે રીતે ઠાગાઠૈયા કરી રહી છે અને સાવ બેશરમ બનીને સુપ્રીમ કોર્ટ જેવી સર્વોપરિ સત્તાને પણ રમાડી રહી છે એ જોતાં આ આશા ક્યારે ફળશે એ ખબર નથી.
સુપ્રીમ કોર્ટ સ્ટેટ બેન્કની રમત બરાબર સમજી ગઈ છે તેથી સ્ટેટ બેન્ક પર બરાબર ભડકી છે કેમ કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો જાહેર કરી નથી. બેન્કે ચૂંટણી પંચને આપેલી માહિતીમાં બોન્ડ નંબર જ નથી. ટેકનિકલ ભાષામાં કહીએ તો બોન્ડના નઆલ્ફાન્યૂમેરિક નંબરથ સ્ટેટ બેન્કે પૂરા પાડ્યા નથી.
સ્ટેટ બેન્ક આ કોડ આપશે તો ઘણા બધા ધડાકા થશે. બોન્ડના આલ્ફાન્યૂમેરિક નંબર ખરેખર તો ઈલેક્ટોરલ બોન્ડના યુનિક કોડ છે. આ કોડ મળે તો કઈ કંપનીએ કયા રાજકીય પક્ષને દાન આપ્યું છે તેની ખબર પડશે. દાન આપનાર અને રાજકીય પક્ષ વચ્ચેની લેવડદેવડની ખબર પડશે. બંને વચ્ચેના સંબંધો અને કંપનીઓની સરકાર દ્વારા તરફેણ કરવામાં આવી છે કે નહીં તે પણ ખબર પડશે.
સ્ટેટ બેન્કનું વર્તન શંકાસ્પદ છે. સ્ટેટ બેન્ક કોને છાવરવા મથી રહી છે એ સવાલ પણ ઊઠે જ છે. કરુણતા એ છે કે, આ સવાલનો જવાબ બધાં જાણે છે પણ કોઈનામાં બોલવાની હિંમત નથી. આ સંજોગોમાં એકલી સુપ્રીમ કોર્ટ શું કરી શકશે? જયાં સુધી જનતા સાચા-ખોટાનો ભેદ પાખી મતદાન ન કરે ત્યાં સુધી સિસ્ટમમાં સુધારો શકય નથી.