ભારતીય બોલરો સામે ઈંગ્લેન્ડની ટીમ ઘૂંટણિયે, 218માં ઓલઆઉટ
- કુલદીપ યાદવે પાંચ અને રવિચંદ્રન અશ્ર્વિને ઝડપી 4 વિકેટ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં આજે ધર્મશાલા ખાતે રમાય રહેલી છેલ્લી મેચના પ્રથમ દિવસે ભારતીય બોલરો કુલદિપ યાદવ અને રવિચંદ્રન અશ્ર્વિનને તરખાટ મચાવી અનુક્રમે પાંચ અને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે એક વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી હતી. 218 રનમાં ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. આ પહેલા રમાયેલી 4 ટેસ્ટમાં ભારતીય ટીમ 3-1થી આગળ છે. એટલે કે, આ સીરિઝ પર ભારતીય ટીમનો કબજો થઈ ચૂક્યો છે.
ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેના આ નિર્ણય પર કુલદીપ યાદવે પાણી ફેરવી દીધું છે, બેન ડકેટના રુપમાં ઈંગ્લેન્ડની પહેલી વિકેટ 64 રનના સ્કોર પર પડી હતી. કુલદીપ યાદવે ધર્મશાળા ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી ટેસ્ટ કરિયરમાં 50 વિકેટ પુરી કરી લીધી છે. આ દરમિયાન તેના નામે એક ખાસ રેકોર્ડ પણ નોંધાયો છે.કુલદીપ યાદવે છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછા બોલ ફેંકી 50 વિકેટ લેવા મામલે પહેલા નંબર પર આવી ગયો છે.
ભારતીય બોલરની લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયો છે. કુલદીપ યાદવે 1871 બોલમાં 50 વિકેટ પુરી કરી છે. તેનું અત્યારસુધીનું કરિયર શાનદાર રહ્યું છે.
આ ટેસ્ટ ઇનિંગ્સમાં 40 રનમાં 5 વિકેટ લેવી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. કુલદીપે ટેસ્ટમાં 4 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ દરમિયાન કુલદીપ યાદવે 15 ઓવરમાં 72 રન આપી 5 વિકેટ લીધી છે, તેમણે એક મેડન ઓવર પર નાંખી હતી. કુલદીપ યાદવે બેન ડકેટ, ઓલી પોપ, જેક ક્રોલી, જોની બેયરસ્ટો અને કેપ્ટન બેન સ્ટોક્સને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો છે.