કાશ્મીરના ફુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઢેર, JCO સહિત 3 જવાન ઘાયલ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કુલગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ફાયરિંગમાં એક અધિકારી સહીત 3 જવાન ઘાયલ થયાના અહેવાલ છે. તે જ સમયે, એક આતંકવાદી પણ માર્યો ગયો છે. દરમિયાન એનઆઇએ પાંચ રાજયો અને જમ્મુ-કાશ્મીરમાં 22 સ્થળોએ આતંકવાદી ષડયંત્ર કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. આ પછી, સુરક્ષા દળોએ પણ જવાબ આપ્યો. એક આતંકવાદી માર્યો ગયો છે. ફાયરિંગમાં એક અધિકારી સહીત 3 જવાનો ઘાયલ થયાના અહેવાલ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વધુ આતંકીઓ છુપાયાની આશંકા છે.
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે કુલગામના ગુદ્દર જંગલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને CRPFના SOG કામ પર છે. સેનાએ તેને ઓપરેશન ગદર નામ આપ્યું છે. દરમિયાન, જમ્મુના આરએસપુરા સેકટરમાં આંતરરાષ્ટ્રીય સરહદેથી એક પાક. ઘુસણખોર ઠાર મરાયો હતો. સિરાજ નામના આ ઘુસખણોર પાસેથી પાકિસ્તાની ચલણ મળી આવ્યું હતું.
દરમિયાન, NIAએ આતંકવાદી ષડયંત્ર કેસમાં જમ્મુ અને કાશ્મીર અને પાંચ રાજ્યોમાં ઝડપી કાર્યવાહી શરૂૂ કરી છે. સોમવારે ઓછામાં ઓછા 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી આતંકવાદી ષડયંત્ર સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, આ મામલો આંતરિક સુરક્ષા સાથે સંબંધિત છે.
NIA ની ટીમ સોમવારે સવારે બારામુલ્લાના જંગમ ગામમાં પહોંચી હતી. અહીં રાશિદ લોનના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએથી મોબાઇલ ફોન અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. જૂનની શરૂૂઆતમાં, NIA એ જમ્મુ અને કાશ્મીરમાં 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
NIA ને બિહારમાં મોટી સફળતા મળી છે. NIA ની ટીમે ખાલિસ્તાની આતંકવાદી શરણજીતની ધરપકડ કરી છે. શુક્રવારે દરોડા દરમિયાન તેની ગોપાલપુરથી ધરપકડ કરવામાં આવી હતી. શરણજીત કુમાર ઉર્ફે શની સુવર્ણ મંદિરમાં ગ્રેનેડ હુમલાના કેસમાં આરોપી છે. તે પંજાબના ગુરદાસપુરના બટાલાનો રહેવાસી છે.