હાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, સુપ્રીમ કોર્ટમાં પુન: વિચાર અરજી કરશે
મહારાષ્ટ્રના કોલ્હાપુરના જૈન મઠમાંથી જામનગરના વનતારામાં લાવવામાં આવેલી માધુરી નામની હાથણીનો વિવાદ ઉગ્ર બનતા અંતે રિલાયન્સે હથીયાર હેઠા મુકયા છે અને કાનુની રીતે માધુરી પરત સોંપવા તૈયારી બતાવી છે.
કોલ્હાપુર મઠની હાથણીનો વિવાદ વકરતા મહારાષ્ટ્રમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ ઉપમુખ્યમંત્રી અજીત પવાર, મંત્રી ચંદ્રકાંત પાટીલ, ગણેશ નાઇક, હસન મુશ્રીફ, ગિરીશ મહાજન, પ્રકાશ આબીટકર, નંદની મઠના પ્રતિનિધિઓ, પ્રકાશ અવાડે, રાજુ શેટ્ટી, સતેજ પાટીલ, સદાભાઉ ખોત અને ધૈર્યશીલ માને જેવા નેતાઓએ હાજરી આપી હતી.
આ બેઠકમાં નક્કી થયું કે નંદની મઠ અને ફડણવીસ સરકાર માધુરીને પાછી લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે, જેથી 36 વર્ષની હાથણી માધુરીને પરત લાવી શકાય. માધુરી કોલ્હાપુરના નંદની મઠમાં છેલ્લા 34 વર્ષથી રહેતી હતી. મુખ્યમંત્રી ફડણવીસે ખાતરી આપી છે કે માધુરી માટે એક ખાસ પશુચિકિત્સક ટીમ બનાવવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં આ યોજના વિશે જાણ કરવામાં આવશે. સરકાર નંદની મઠની કાનૂની લડાઈમાં પણ સાથ આપશે.
16 જુલાઈએ બોમ્બે હાઇકોર્ટે માધુરીને વનતારામાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. હાથીના સ્વાસ્થ્ય, સંધિવા અને માનસિક તણાવને લઈને વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઙઊઝઅ ઇન્ડિયા દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 29 જુલાઈએ સુપ્રીમ કોર્ટે પણ આ આદેશ યથાવત રાખ્યો હતો.
પરંતુ માધુરીને વનતારા ખસેડવા સામે કોલ્હાપુરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા અને લોકોએ ધાર્મિક પરંપરાઓમાં તેની પવિત્ર ભૂમિકાનો ઉલ્લેખ કર્યો તેમજ 2 લાખથી વધુ લોકોએ તેને પાછી લાવવા માટે હસ્તાક્ષર કર્યા.
બીજી તરફ વનતારાની યાદીમાં જણાવાયું છે કે વનતારા જૈન મઠ અને કોલ્હાપુરના લોકોના મનમાં માધુરી માટેના ગહન ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વનો સ્વીકાર કરે છે. દાયકાઓથી તે ઊંડા મૂળિયા ધરાવતાં આધ્યાત્મિક રીતિ-રિવાજો અને સમુદાયના જીવનનું અભિન્ન અંગ રહી છે. અમે ભક્તો, જૈન મઠના નેતૃત્વ અને વ્યાપક સમુદાયની લાગણીઓનું સન્માન કરીએ છીએ અને તેમનો આદર કરીએ છીએ.
આ મામલામાં વનતારાની ભૂમિકા માત્ર સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા બંધનકર્તા નિર્દેશો અનુસાર કાર્ય કરવા પૂરતી મર્યાદિત રહી છે. માધુરીને સ્થળાંતરિત કરવાનો નિર્ણય ન્યાયિક સત્તા હેઠળ લેવામાં આવ્યો હતો અને વનતારાની ભૂમિકા એક ઇન્ડિપેન્ડેન્ટ રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર તરીકે સંભાળ, પશુચિકિત્સા સહાય અને આવાસ પૂરી પાડવાની હતી. કોઈપણ તબક્કે વનતારાએ સ્થળાંતરણની પહેલ કરી ન હતી કે ભલામણ કરી ન હતી, તેમજ ધાર્મિક પ્રથા અથવા ભાવનાઓમાં દખલ કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.
કાયદેસરના વ્યવહાર, જવાબદાર પશુ સંભાળ અને સામુદાયિક સહકાર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત રહીને વનતારા માધુરીને કોલ્હાપુર પરત લાવવાની વિનંતી સાથે જૈન મઠ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી કોઈપણ અરજીને સંપૂર્ણ સમર્થન આપશે. કોર્ટની મંજૂરીને આધીન વનતારા સુરક્ષિત અને ગૌરવપૂર્ણ રીતે તેને પરત કરવા માટે સંપૂર્ણ તકનીકી અને પશુચિકિત્સા સંબંધિત સહાય પૂરી પાડશે.
આ ઉપરાંત, વનતારા જૈન મઠ અને રાજ્ય સરકાર સાથે ગાઢ સંકલનમાં રહીને કોલ્હાપુરના નંદની વિસ્તારમાં માધુરી માટે સેટેલાઇટ રેહેબિલિટેશન સેન્ટર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકે છે.