ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય: ચૂંટણી ફંડ સંબંધી પારદર્શિતા માટે વધુ પગલાં લો
લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જ સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપીને રાજકીય પક્ષોને દાન આપવા માટે બહાર પડાયેલા ઈલેક્ટોરલ બોન્ડ મામલે ગેરબંધારણીય ઠરાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને અપાતા દાન પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નવા ઈલેક્ટોરલ બોન્ડ ઈસ્યુ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ ચુકાદામાં મહત્ત્વની વાત એ છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 12 એપ્રિલ, 2019 થી અત્યાર સુધી ખરીદવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ વિશેની માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવી પડશે અને 13 માર્ચ સુધીમાં ચૂંટણી પંચે ક્યા રાજકીય પક્ષને કોણે કેટલાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને દાન કર્યું તેની વિગતો વેબસાઈટ પર મૂકવી પડશે. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારનું નામ અત્યાર લગી ગુપ્ત રખાતું હતું પણ હવે સુપ્રીમ કોર્ટના ફરમાનના કારણે આ નામ જાહેર કરવાં પડશે તેથી રાજકીય પક્ષોને કેવા કેવા લોકોએ દાન કર્યું છે તેનો ભાંડો પણ ફૂટશે. જો કે લોકસભાની ચૂંટણી તો પછીની વાત છે, અત્યારે તો સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે તેમાં બેમત નથી કેમ કે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોનાં નામ જાહેર ના કરાય એ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટનો ભંગ છે. દેશનાં લોકોને રાજકીય પક્ષોને કોણ દાન આપે છે એ જાણવાનો પૂરો અધિકાર છે. રાજકીય પક્ષો ગુપ્તતાના નામે કુલડીમાં ગોળ ભાંગે એ ના ચાલે. સુપ્રીમ કોર્ટે તો રાજકીય દાનની ગુપ્તતા જાળવવા માટે કંપનીઝ એક્ટમાં સુધારાને પણ ફગાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભાજપ માટે બે રીતે ફટકા સમાન છે. પહેલું તો એ કે, ઈલેક્ટોરલ બોન્ડના કારણે સૌથી વધારે દાન તેને જ મળતું હતું પણ હવે તેના પર પ્રતિબંધ આવી જતાં તેમાં ઓટ આવી જશે તેથી તેને આર્થિક રીતે ફટકો પડશે. ઈલેક્ટોરલ બોન્ડના કારણે ભાજપને મળતા દાનમાં સૌથી વધારે ભરતી આવી હતી તેથી સૌથી મોટો ફટકો ભાજપને જ પડશે. બીજું એ કે, સુપ્રીમ કોર્ટે પહેલાં કરતાં જુદું વલણ લેતાં ભાજપને સૈદ્ધાંતિક રીતે પણ પીછેહઠ સહન કરવી પડી છે.