ઈલેક્ટોરલ બોન્ડ કેસ વિપક્ષોને હથિયાર મળ્યું
દેશની સુપ્રીમ કોર્ટે જેને લોકસભાની ચૂંટણી પહેલાં ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ફરી ગાજ્યો છે. બેન્ગલૂરુની એક કોર્ટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનું ફરમાન કર્યું છે. આ ફરિયાદ નિર્મલા સીતારમણે કેન્દ્રીય એજન્સીઓની મદદથી કંપનીઓ અને ધનિકોને ઈલેક્ટોરલ બોન્ડ લેવા ફરજ પાડી હોવાના આક્ષેપના સંદર્ભમાં કરાઈ છે એ મહત્ત્વનું છે. જન અધિકાર સંઘર્ષ પરિષદના આદર્શ અય્યરે બેન્ગલૂરુમાં પોલીસ ફરિયાદ દાખલ કરીને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે ખંડણીખોરી બદલ કેસ નોંધવા વિનંતી કરેલી પણ પોલીસે અરજીને ના ગણકારતાં અય્યર કોર્ટમાં ગયેલા. અય્યરે કોર્ટને નિર્મલા સીતારામાન સામે પગલાં લેવાનો આદેશ આપવાની માગણી કરી હતી. કોર્ટે આ અરજી સ્વીકારી છે અને બેન્ગલૂરુના તિલકનગર પોલીસ સ્ટેશનને નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. નિર્મલા સામે એફઆઈઆરના કારણે કેસ મહત્ત્વનો ભલે બની ગયો પણ આ કેસમાં દમ નથી.
પોલીસ એફઆઈઆર નોંધીને શું કરશે એ ખબર નથી પણ માત્ર આક્ષેપ કરવાથી કશું સાબિત થતું નથી. બલ્કે મોટા ભાગનાં લોકો જાણે છે કે, ઈલેક્ટોરલ બોન્ડના નામે આ જ ધંધો થયો પણ આ વાત સાબિત કરવી અઘરી છે. કઈ કંપની કે ધનિક કોર્ટમાં આવીને એવું કહેશે કે, કેન્દ્રીય એજન્સીઓએ અમને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવાની ફરજ પાડી હતી ? આ દેશમાં હજુય નરેન્દ્ર મોદીની સરકાર છે અને કેન્દ્રીય એજન્સીઓ હજુય તેમના તાબા હેઠળ કામ કરે છે એ જોતાં તેમની સામે પડવાની હિંમત કોઈ બતાવે એવી શક્યતા નહિવત્ છે. માનો કે કોઈ એવો ભડ નિકળી આવે તો પણ નિર્મલા સીતારમણના ઈશારે બોન્ડ ખરીદવાની ફરજ પડાઈ હતી એ વાત સાબિત થાય એમ જ નથી. નિર્મલા સામે એફઆઈઆર નોંધવાનો કોર્ટે આદેશ આપ્યો એવા સમાચાર બહાર આવ્યા પછી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનારાજીનામાની માંગ કરી છે. સિદ્ધરામૈયા હમણાં મૈસુરમાં સરકારી જમીનમાં ભ્રષ્ટાચારને લગતા કેસમાં ફસાયેલા છે. ભાજપે આ મુદ્દો જોરશોરથી ચગાવ્યો છે અને ઉગ્ર દેખાવો કરી રહ્યો છે.
આ મુદ્દો રાજકીય રીતે બીજાં કારણસર પણ મહત્ત્વનો છે. ભાજપે પોતાના દસ વર્ષના શાસનમાં પોતાની સત્તા છે એ રાજ્યોમાં કોંગ્રેસ અને બીજા વિપક્ષી નેતાઓ સામે સાવ વાહિયાત કારણોસર ફરિયાદો નોંધીને તેમને દોડતા કરવાનો ખેલ કરેલો. રાગુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે ગુજરાતમાં માનહાનિની ફરિયાદ નોંધી દેવાઈ ને રાહુલને દોષિત ઠેરવીને સાંસદપદ પણ છિનવી લેવાયેલું. બીજા ઘણા નેતાઓ સામે આ ખેલ થયેલો ને રીતસરની રાજકીય કિન્નાખોરી બતાવાયેલી. હવે કોંગ્રેસ ભાજપને તેની જ દવાનો ડોઝ આપી રહ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને કોર્ટે બેન્ગલૂરુ પોલીસને નિર્મલા સીતારમણ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો એ રાજકીય બદલો જ છે પણ કોંગ્રેસને તેના માટે દોષિત ઠેરવી શકાય તેમ નથી.
જેવું કરો એવું ભરો એ નિયમ ભાજપને પણ લાગુ પડે જ છે. વિપક્ષો આ મુદ્દાનો કઈ રીતે ઉપયોગ કરશે એ ખબર નથી પણ ભાજપે ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દેશના બંધારણની ઐસીતૈસી કરી નાંખેલી તેમાં શંકા નથી. આ વાત સુપ્રીમ કોર્ટે પોતે કહી હતી. 15 ફેબ્રુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અસરથી ઈલેક્ટોરલ બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો ત્યારે સાફ શબ્દોમાં કહેલું કે, આ યોજના ગેરબંધારણીય છે. બોન્ડની ગુપ્તતા જાળવવી એ માહિતીના અધિકારનું ઉલ્લંઘન હોવાથી આ યોજના ગેરબંધારણીય છે.