ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC
પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી દરમિયાન 40 જેટલા લોકોના મોત થયા હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કર્યો છે. ચૂંટણી પંચે આ દાવાઓને ફગાવી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓને મળ્યુ હતું અને ચીફ ઈલેક્શન કમિશનર ગ્યાનેશ કુમારના હાથ લોહીથી ખરડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓબેરિયનના નેતૃત્વમાં 10 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળ્યુ હતું અને પશ્ચિમ બંગાળમાં SIRની કાર્યવાહી બાબતે ચર્ચા કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યુ હતું કે, આ મુલાકાત દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ કહેવાયું હતું કે, બૂથ લેવલ ઓફિસરના કામમાં દખલ આપવી નહીં તથા તેમના પર કોઈ દબાણ કરવું નહીં. મૃતક, સ્થળાંતરિત અથવા ડુપ્લિકેટ મતદારોના કિસ્સામાં બીએલઓ પર કોઈ દબાણ નહીં કરવા તૃણમૂલ કોંગ્રેસના સભ્યોને કહેવાયુ હતું. આક્ષેપો કરવાની નીતિ રાજનીતિનો ભાગ હોઈ શકે છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા બાબતે ખોટી માહિતી નહીં ફેલાવવવા પણ પંચે જણાવ્યુ હતું.
ચૂંટણી પંચ સાથે મુલાકાત બાદ ડેરેક ઓબેરિયને પત્રકરોને જણાવયુ હતું કે, તેમના પક્ષે પાંચ સવાલ પૂછ્યા હતા, પરંતુ ગ્યાનેશ કુમારે એક પણ સવાલનો જવાબ આપ્યો ન હતો. ચીફ ઈલેક્શન ઓફિસરના હાથ લોહીથી ખરડાયેલા હોવાનું કહીને અમે મુલાકાત શરૂૂ કરી હતી. ત્યારબાદ કલ્યાણ બેનરજી, મહુઆ મોઈત્રા અને મમતા ઠાકુરે 40 મિનિટની મુલાકાત દરમિયાન થયેલી ચર્ચા અંગે વિગતો આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે બાદમા ચીફ ઈલેક્શન ઓફિસર એક કલાક બોલ્યા હતા પરંતુ અમારા પાંચમાંથી એક પણ સવાલનો જવાબ આપ્ય ન હતો.