બિહારની ચૂંટણીમાં ગરબડના આક્ષેપો સામે ચૂંટણી પંચનો બચાવ લૂલો અને ચિંતાજનક
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પતી ગયું ને મંગળવારે બીજા તબક્કાનું મતદાન છે પણ એ પહેલાં રાષ્ટ્રીય જનતા દળે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ)માં ગરબડનો આક્ષેપ કરતાં કહેવાતી વોટ ચોરીનો મામલો પાછો ચગ્યો છે. આરજેડીએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો મૂકીને દાવો કર્યો છે કે, વૈશાલી જિલ્લાના હાજીપુરમાં વિવિધ વિધાનસભા મતવિસ્તારોના ઈવીએમ રખાયાં છે એ સ્ટ્રોંગ રૂૂમમાં વારાફરતી સીસીટીવી ફુટેજ બંધ કરી દેવાયા હતા અને અડધી રાતે એક પિકઅપ વાન અંદર ઘૂસી હતી. આ વાન 15 મિનિટ પછી બહાર નિકળી હતી. સમસ્તીપુર જિલ્લામાં તો સીસીટીવી લગભગ અડધો કલાક માટે બંધ થઈ ગયા હતા જ્યારે સમસ્તીપુરની મોહિઉદ્દીન નગર વિધાનસભા બેઠકનાં ઈવીએમ રખાયાં છે ત્યાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસ્યો હોવાનો આક્ષેપ પણ આરજેડીએ કર્યો છે. આરજેડીએ મોં-માથા વિનાના આક્ષેપો નથી કર્યા પણ બધા આક્ષેપોના સમર્થનમાં વીડિયો ફૂટેજ પણ સોશ્યલ મીડિયા પર મૂક્યા છે તેના કારણે આ આક્ષેપોની ગંભીરતા વધી જાય છે.
ચૂંટણી પંચે આરજેડીના હાજીપુરના સ્ટ્રોંગ રૂૂમની સુરક્ષામાં ચૂકના આક્ષેપોનો જવાબ આપ્યો છે અને રાબેતા મુજબ આરજેડીના આક્ષેપોને બોગસ ગણાવ્યા છે. બહુ મજાની વાત પાછી એ છે કે, ચૂંટણી પંચે સીસીટીવી બંધ થઈ ગયેલા એવું સ્વીકાર્યું છે અને કેમ્પસમાં પિકઅપ વાન આવેલી એવું પણ -કબૂલ્યું છે ને છતાં રાષ્ટ્રીય જનતા દળના સ્ટ્રોંગ રૂૂમની સુરક્ષામાં ભંગનો આક્ષેપ કરતી સોશ્યલ મીડિયા પોસ્ટને ગેરમાર્ગે દોરનારી અને તથ્યો વગરની ગણાવીને ફગાવી દીધી છે. ચૂંટણી પંચે જે ખુલાસો કર્યો છે એ પણ સાંભળવા જેવો છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે, દરેક મતવિસ્તારમાં સ્ટ્રોંગ રૂૂમના સીસીટીવી ફૂટેજના ફીડના ડિસ્પ્લે કંટ્રોલ રૂૂમમાં અને સ્ટ્રોંગ રૂૂમની નજીક રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રતિનિધિઓ માટે બનેલા એરિયામાં એમ બે સ્થળે લગાડાયા છે.
રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રતિનિધિઓ માટે બનેલા એરિયામાં હાજીપુર લોકસભા બેઠકના પાંચ વિધાનસભા મત વિસ્તારોમાંથી મહનાર બેઠકના સીસીટીવી ફૂટેજના ફીડ ડિસ્પ્લે સ્ક્રીન ઓટો ટાઇમઆઉટ થવાને કારણે થોડી વાર માટે બંધ થઈ ગયા હતા પણ તેને થોડી જ મિનિટોમાં ફરીથી ચાલુ કરાવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ કંટ્રોલ રૂૂમમાં લાગેલા મહનાર મતવિસ્તાર માટે સીસીટીવી ફૂટેજ ડિસ્પ્લે સ્ક્રીન કોઈપણ વિક્ષેપ વિના ચાલુ જ હતા. આઘાત તો એ જોઈને લાગે કે, ચૂંટણી પંચ શંકાસ્પદ હરકતોનો બેશરમ બનીને બચાવ કરે છે અને હાથ ખંખેરી નાખે છે. શંકા થાય એવી ઘટનાઓ બની તેના માટે જવાબદારો સામે પગલાં લેવાની વાત તો છોડો પણ આવી ઘટના કેમ બની તેનો ખુલાસો કરવાની પણ પંચ તસદી નથી લેતું. આમ થયું, તેમ થયું એવા ઉભડક ખુલાસા કરીને આ વાતનો વીંટો વાળી દેવાય છે. આ વલણ દેશની લોકશાહી માટે ખતરનાક છે.
