'વિકસિત ભારત' વાળા વોટ્સએપ મેસેજ મોકલવા પર ચૂંટણી પંચે મૂક્યો પ્રતિબંધ
ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024ને લઈને એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વિકાસ ભારતના નામે વોટ્સએપ મેસેજ મોકલીને મોદી સરકારનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. હવે ચૂંટણી પંચે આ મેસેજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને નિર્દેશ આપતાં કહ્યું કે, આચારસંહિતા લાગુ થયા પછી પણ જો લોકોને વિકસિત ભારત સંબંધિત સંદેશા મળી રહ્યા છે, તો તેને તાત્કાલિક રોકી દેવા જોઈએ. ચૂંટણી પંચને પણ આ અંગે કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવી જોઈએ.
અગાઉ, ચૂંટણી પંચને એવી ઘણી ફરિયાદો મળી રહી હતી કે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી પણ નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
આયોગ તરફથી સૂચના મળ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું કે આ સંદેશાઓ આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા મોકલવામાં આવ્યા હતા. જો કે, તેમાંથી કેટલાક સંદેશાઓ સિસ્ટમ અને નેટવર્ક સમસ્યાઓના કારણે લોકોને મોડેથી પહોંચાડવામાં આવ્યા હતા. તે જ સમયે, આયોગે મંત્રાલયને આ મામલે તાત્કાલિક અનુપાલન રિપોર્ટ મોકલવા કહ્યું છે.