અલનીનો ભારતમાં ચોમાસાનો મૂડ નહીં બગાડે: ભરપુર વરસાદની અમેરિકી એજન્સીની આગાહી
ભારતના દક્ષિણપશ્ચિમ ચોમાસા પર આ વર્ષે સાનુકૂળ અસર થવાની સંભાવના છે, કારણ કે યુએસ સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ શુક્રવારે આ ઉનાળાની ઋતુમાં અલ નીનોની શક્યતાને નકારી કાઢી હતી. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત હવામાન વિભાગ (IMD) ને આગામી ચોમાસાની સિઝન માટે તેની લાંબા અંતરની આગાહી જાહેર કરવા માટે માત્ર એક સપ્તાહ બાકી છે. IMD એ આ મહિનાની શરૂૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે આગામી ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થશે નહીં.
અલ નીનો-સધર્ન ઓસિલેશન (ENSO) એક સમુદ્રી-આબોહવાની ઘટના છે, જે વૈશ્વિક વાતાવરણીય પરિભ્રમણને પ્રભાવિત કરવામાં સક્ષમ માનવામાં આવે છે. ENSO ના ત્રણ તબક્કા છે. ગરમ સ્થિતિ (અલ નીનો), તટસ્થ સ્થિતિ અને ઠંડી સ્થિતિ (લા નિના).
આ ઘટના ખાસ કરીને ભારતની જૂન-સપ્ટેમ્બર ચોમાસાની મોસમને અસર કરે છે. ભારતમાં લગભગ 70% વરસાદ આ ચાર મહિના દરમિયાન થાય છે, જે ખરીફ પાકની વાવણી, જળાશયોના રિચાર્જિંગ અને એકંદર અર્થતંત્ર માટે નિર્ણાયક છે.
NOAAના એપ્રિલના અહેવાલ મુજબ, ઉત્તર ગોળાર્ધમાં આ ઉનાળાની ઋતુ દરમિયાન ENSO તટસ્થ સ્થિતિ યથાવત રહેશે. NOAA એ જણાવ્યું હતું કે, ઑગસ્ટ-ઑક્ટોબર 2025 દરમિયાન ENSO તટસ્થ રહેવાની 50 ટકાથી વધુ શક્યતા છે.
નોંધનીય છે કે લા નીના ચોમાસા પર હકારાત્મક અસર કરે છે, જે સામાન્ય અથવા વધુ વરસાદ તરફ દોરી જાય છે. તે જ સમયે, અલ નીનો ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સાથે સંકળાયેલ છે. જો કે, ઘણા વર્ષોમાં ENSO તટસ્થ પરિસ્થિતિઓ દરમિયાન ભારતમાં સામાન્ય અથવા સરેરાશથી વધુ વરસાદ પણ નોંધાયો છે.