ભ્રષ્ટાચાર કેસમાં ફ્સાયેલા ઇડીના અધિકારી આલોક રંજનનો આપઘાત
રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળ્યો, 50 લાખની લાંચ માગવાનો આરોપ હતો
દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં તૈનાત અધિકારી આલોક કુમાર રંજને મંગળવારે સાંજે આત્મહત્યા કરી લીધી હતી. આલોક કુમાર રંજનનો મૃતદેહ રેલવે ટ્રેક પર પડેલો મળી આવ્યો હતો. આલોક ભ્રષ્ટાચારના એક કથિત કેસમાં ઇડી અને સીબીઆઇની તપાસ હેઠળ હતા. 7 ઓગસ્ટે ઇડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહની સીબીઆઇ દ્વારા 50 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઇએ દાવો કર્યો હતો કે ફરિયાદીએ કહ્યું હતું કે ઇડીના સહાયક નિર્દેશક સંદીપ સિંહે તેમના પુત્રની ધરપકડ ન કરવા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સીબીઆઈએ 20 લાખની લાંચ લેતા દિલ્હીના લાજપત નગરમાંથી સંદીપ સિંહની ધરપકડ કરી હતી.આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહ મુંબઈના એક જ્વેલર પાસેથી પૈસા લેતો હતો. ઇડીએ તે જ જ્વેલર પર દરોડા પાડ્યા હતા, જ્યારે સંદીપ સિંહ તે ટીમનો ભાગ હતો. એફઆઇઆરમાં સંદીપ સિંહને આરોપી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ઓફિસર આલોક કુમાર રંજનનું નામ પણ એફઆઇઆરમાં હતું. બાદમાં સંદીપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં ઇડીએ સીબીઆઇની એફઆઇઆર પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, આલોક કુમાર રંજન ઇડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહ સાથે ભ્રષ્ટાચારના કેસમાં પોતાનું નામ જોઈને ચોંકી ગયા હતા. સીબીઆઈ દ્વારા સંદીપ સિંહની ધરપકડ બાદ તેઓ પણ ખૂબ નારાજ હતા. આથી એવી આશંકા છે કે તેની સામે કાર્યવાહી થવાના ડરથી તેણે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જો કે દિલ્હી પોલીસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.