EDએ Google અને મેટાને ફટકારી નોટિસ, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસોની તપાસના સંદર્ભમાં ગુગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુગલ અને મેટા પર આ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવાનો અને તેમના પ્લેટફોર્મ પર ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો અને વેબસાઇટ્સને મુખ્ય સ્થાન આપવાનો આરોપ છે. હવે EDએ બંને કંપનીઓના પ્રતિનિધિઓને 21 જુલાઈના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.
આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા કેસોમાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. EDની આ કાર્યવાહી ઓનલાઈન સટ્ટાબાજી સામે ચાલી રહેલા વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા મોટા નામો અને ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
EDના આ પગલાથી ખબર પડે છે કે તપાસ હવે મોટા પાયે થઈ રહી છે. આ પહેલા પણ ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકો ગેરકાયદે સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ હેઠળ આવ્યા છે.