દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 હતી. કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
મળતી માહિતી મુજબ, ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર લાહોર, મુલતાન, ફૈસલાબાદ, મિયાંવાલી અને ભાકર જેવા શહેરો પર પણ જોવા મળી હતી. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ)એ જણાવ્યું કે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતો. આ પહેલા 29 ઓગસ્ટે ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જૂન મહિનામાં પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ધરતી ધ્રૂજી ગઈ. અગાઉ જૂનની શરૂઆતમાં કરાચીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.